અમદાવાદ: રસ્તા પર તલવારથી બર્થ ડે કેક કાપી, પોલીસે જેલભેગો કરી દીધો

ખબર નહી, પરંતુ આજકાલ યુવાનોમાં આ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષગાંઠની ઉજવણી જાહેર રસ્તા પર કરવાની, બાઇક કે કાર પર કેક મુકવાની અને પછી તલવારથી કેક કાપવાની.પોલીસ કમિશ્નર અનેક વખત જાહેરમાં બર્થ-ડે નહીં ઉજવવાના જાહેરનામા બહાર પાડી ચૂક્યા છે, અનેક યુવકોની ધરપકડ થઇ છે છતા, હઠીલા યુવાનો કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે. અમદાવાદમાં તલવારથી બર્થ ડે કેક કાપનારા યુવાનને પોલીસે જેલ ભેગો કરી દીધો છે. નવાઇની વાત એ છે કે યુવાનો આવા વીડિયો પાછો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરે છે.
અમદાવાદમાં સાબરમતી પાસે એક યુવક પોતાની વર્ષગાંઠની ઉજવણી તલવારથી કેક કાપીને કરી રહ્યો હતો અને પાછો રોફ જમાવતો હોય તેવો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. પોલીસ પાસે વીડિયો પહોંચતા, LCB, ઝોન-2 દ્રારા તાત્કાલિક પગલાં લેવાયા હતા અને તલવારથી કેક કાપનારી મેહુલ ભીલની ધરપકડ કરી હતી.
મેહુલ ભીલે પોતાની બર્થ ડેની ઉજવણી સાબમતી પાસે કરી હતી અને તલવારથી કેક કાપતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો. પોલીસે મેહુલની ધરપકડ કરીને તલવાર કબ્જે કરી છે. સાબરમતી પોલીસ સ્ટેશમાં મેહુલ ભીલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
માત્ર અમદાવાદમાં જ નહી, પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં યુવાનો હવે તેમના મિત્રો સાથે જાહેર રસ્તા પર ઉભા કરીને બર્થ ડેની ઉજવણી કરે છે.પોલીસ અનેક વાર વિનંતી કરી છે કે, પ્લીઝ, આવું ન કરો, પરંતુ યુવાનો પોલીસને ગાંઠતા ન હોય તેમ, જાહેર રસ્તા પર બર્થ-ડેની ઉજવણી કરતા રહે છે. યુવાનોની શી વાત કરીએ જન્મ દિવસની ઉજવણીમાં રાજકીય નેતાઓ પણ ભાન ભુલવાની ઘટના સામે આવે છે.
હજુ ત્રણેક મહિના પહેલાની જ વાત છે.મહીસાગર લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયાએ તલવારથી કેક કાપી હોવાની ઘટના સામે આવી હતી.મોટી સંખ્યામાં ટોળું ભેગુ કરી બર્થ ડે કેક કાપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે ભાજપના નેતા વિવાદના વમળોમાં ફસાયા હતા.
મહીસાગર લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયા વિશે જણાવીએ તો થોડા દિવસ અગાઉ રીટાયર્ડ આર્મીમેનને માર મારવાના ગુનામાં ફસાયા હતા. બર્થ ડે ઉજવણી માટે 6 થી 7 જેટલી કેક કારના બોનેટ પર મૂકી તલવારથી તમામ કેક કાપ્યાનો વીડિયો હાલ વાયરલ થયો હતો. અગાઉ પણ મહીસાગરમાં ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ તલવારથી કેક કાપવા મુદ્દે ગુન્હો નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp