અમદાવાદી યુવક લંડનથી ગુમ થયો, કોલેજમાં હાજરી ઓછી હતી એટલે...

PC: gujarattak.in

અમદાવાદના વહેલાલ નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ છેલ્લા ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. છેલ્લા ચાર દિવસથી આ યુવકની કોઈ જાણકારી મળી રહી નથી. પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશને કુશ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ગત 10 ઑગસ્ટના રોજ જ પરિવારને જાણકારી મળી હતી કે તેમનો છોકરો ગુમ થયો છે. તે પણ ત્યારે જ્યારે તેનો 24 કલાક સુધી સંપર્ક ના થતા પરિવારે તેના રૂમ મેટના નંબર પર ફોન કર્યો હતો.

રૂમ મેટને કુશ બાબતે પુછવામાં આવતા તેણે જાણકારી આપી હતી કે કુશ ગુમ થયો છે. ઉલ્લેખનીય છે કે કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર વર્ષ 2022માં લંડન ગયો હતો. જો કે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા બાદ જ તેને કૉલેજે નૉટિસ આપીને જતા રહેવા કહ્યું હતું. કૉલેજમાં હાજરી ઓછી હોવાના કારણે તેને ફીને લઈને નૉટિસ મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ બાબતે પરિવારે કૉલેજની ફીની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી. ત્યારબાદ તેણે કાયદા મુજબ વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જો કે એજન્ટ દ્વારા પ્રોસેસ ન થઈ શકવાના કારણે તેના પરિવારે જે લોન લઈને નાણાની વ્યવસ્થા કરી હતી તે નાણા કુશને પાછા આપી દેવાયા હતા.  તે સમયે 2-3 મહિનામાં જ કુશના વિઝા પૂરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

લંડન પોલીસ ગુમ થયેલા યુવકની શોધખોળ કરી રહી છે. પરિવાર હાલમાં લંડનમાં શક્ય તેટલા કોન્ટેક્ટ્સની મદદથી કુશને શોધવાના પ્રયાસોમાં લાગ્યો છે. છેલ્લા 4 દિવસથી પરિવાર પરેશાન છે. પરિવારની પરેશાની તમે તેના પરથી સમજી શકો છો કે કુશ પરિવારમાં એકનો એક દીકરો છે. અહીં તેના માતા-પિતા અને દાદી માટે જીવન જીવવાનો કુશ એક માત્ર આધાર કહી શકાય. તેના પિતા વિકાસ પટેલને પણ શારીરિક તકલીફ છે. દાદીનું પેન્શન ચાલે છે અને માતા ગૃહિણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp