આણંદના કલેક્ટરને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા, આ છે કારણ

PC: divyabhaskar.co.in

નિવૃતિને આરે પહોંચેલા આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોને કારણે કલેક્ટર પર પર શિક્ષાત્મક ગાજ વરસી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે ડી.એસ. ગઢવી કલેક્ટર કચેરીમાં જ એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યા હતા. ડી એસ ગઢવીના સસ્પેન્શનના ઓર્ડરથી IAS લોબીમાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરની સામે લાગેલા આક્ષેપોની તપાસ કરવા માટે અગ્ર સચિવ કક્ષાના મહિલા અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે.

આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના કારણે વહીવટી તંત્રમાં સોપો પડી ગયા છે. કલેક્ટર ડી એસ ગઢવીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક મહિલા સાથે તેઓ કચેરીમાં જ અંગત પળો માણી રહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી વાત પહોંચાડવામાં આવી હતી. સરકારે 9 ઓગસ્ટે એક આદેશ જારીને ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરી દીધા છે.

ગુજરાત સરકારના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે 9 ઓગસ્ટે જાહેર કરેલા ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, ગેરવર્તણૂક અને નૈતિક ક્ષતિના ગંભીર આરોપો બદલ ડીએસ ગઢવી સામે શિસ્તભંગની કાર્યવાહી હેઠળ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.2008-બેચના બઢતી પામેલા IAS અધિકારી સામે શિસ્તભંગના પગલાં સાથે આગળ વધતા પહેલા સરકારે કથિત રીતે વિડિયોની અધિકૃતતાની ચકાસણી કરી હતી.

આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્શનના મુદ્દે જ્યારે મીડિયાએ પુછ્યું તો તેમણે કહ્યું હતું કે આવા કોઇ આર્ડર હજુ સુધી મારી પાસે આવ્યો નથી. કયા વીડિયોની વાત કરવામાં આવી છે તે વિશે પણ મને કોઇ જાણકારી નથી. પણ જો સરકારે તપાસ સમિતી રચી હશે તો હું મારો પુરો સહયોગ આપીશ.

ગુજરાત સરકારે ડી એસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને અક તપાસ કમિટીની રચના કરી છે, જેમાં તમામ મહિલા અધિકારીઓ છે. તપાસ કમિટીમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશ્નર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ અને દેવી પંડ્યાનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે ગઢવીના સ્થાન પર DDO મિલિંદ બાપનાને આણંદ કલેક્ટરનો ચાર્જ સોંપ્યો છે. મિલિન્દ બાપના સુરત સહિત અનેક જગ્યાએ જવાબદારી સંભાળી ચૂક્યા છે અને તેઓ 2008ની બેચના IAS અધિકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp