ગુજરાત: વરસાદના પાણી ઘરોમાં ભરાયા, લોકો ભૂખ્યા રહ્યા,વૃદ્ધ દિવ્યાંગ ફસાયા

PC: twitter.com

ચોમાસાની સિઝનમાં આ વખતે વરસાદે એવી ધબડાટી બોલાવી છે કે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓ પાણીથી તરબોળ થઇ ગયા છે.અનેક વિસ્તારોમાં ઘરો સુધી પાણી ભરાઇ ગયા છે જેને કરાણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, તો કેટલાંક ગામડાઓનો સંપર્કો તુટી ગયા છે. આવી જ કઇંક સ્થિતિ ગોધરામાં જોવા મળી છે. તંત્રના પાપે લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્ય ગુજરાતમાં આવેલા ગોધરામાં શનિવારે બપોર પછી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગોધરાની અનેક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. રામેશ્વનર નગર સોસાયટીના લોકોએ મીડિયા સમક્ષ તેમની વેદના ઠાલવતા કહ્યું હતું કે, આખી રાત અમે પાણીમાં વિતાવી છે અને ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છીએ. એક વૃદ્ધ દિવ્યાંગની હાલત કફોડી બની છે અને તેમણે પલંગ પર  બેસી રહેવું પડ્યું છે અને પરિવારના લોકો પણ આજુબાજુ  પાણીમાં બેસી રહ્યા છે. આવી જ સ્થિતિ અન્ય સોસાયટીઓની છે જ્યાં વરસાદના પાણી ભરાયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લાં 20 વર્ષથી આવી મુશ્કેલીઓ સાથે અમે જીવી રહ્યા છે, પરંતુ અમારું કોઇ સાંભળતું નથી. વરસાદની સિઝન શરૂ થાય એટલે  થોડો વધારે વરસાદ પડતાની સાથે જ અમારા ઘરોમાં પાણી ભરાઇ જાય છે. પાણી તો ઘરમાં આવી જાય, પરંતુ સાથે સાથે વીજળી પણ ચાલી જાય, એવી સ્થિતિમાં અંધારામાં અમે જીવીએ છીએ.

લોકોએ કહ્યું કે, ગઇકાલે જ નજીકના એક તળાવમાંથી મોટો મગર બહાર આવ્યો હતો એટલે લોકોના જીવ પડીકે બંધાયા હતા. અમારે ડોલે ડોલે પાણીને આખી રાત બહાર કાઢતા રહેવું પડે છે અને વરસાદ બંધ થાય પછી અમને રાહત મળે છે.

લોકોએ કહ્યુ કે રામેશ્વર નગર સોસાયટીનો જે વિસ્તાર છે તે નીચાણવાળો છે,જ્યાં ભુરાવાવ ચોકડીના તમામ સોસાયટીનું પાણી અહીં આ વિસ્તારમાં આવે છે.બાજુમાં લીંબા તળાવ આવેલું છે જ્યાં પાણીનો નિકાલ થાય તેમ છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીના લીધે આજે અમારો વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે.

ગોધરાના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ગોધરાના ખાડી વિસ્તારમાં લોકોની સમસ્યા સાંભળવા ગયા હતા. લોકોએ તેમની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, ગોધરા નગર પાલિકા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરતી નથી. ચાવડાએ લોકોને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp