અમદાવાદમાં લોકોએ ભાજપના કોર્પોરેટરને કારમાંથી ઉતારી જાહેરમાં માર્યા

PC: divyabhaskar.co.in

અમદાવાદના નિકોલ વોર્ડના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટર બળદેવ પટેલને શુક્રવારે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે TP સ્કીમના અમલીકરણ અંગે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટર બળદેવ પટેલને સારવાર માટે કાકડિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પાછળથી પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ હૉસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોએ પોતાનાં ઘર રોડની કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઠાલવ્યો હોવાની લોકમાં ચર્ચા ચાલી રહી છે. ઇજાગ્રસ્ત કોર્પોરેટર બળદેવ પટેલને સારવાર માટે કાકડિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને ધ્રસ્કોઇના ધારાસભ્ય બાબુ પટેલ તાત્કાલિક હૉસ્પિટલ દોડી ગયા હતા.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે એક અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, TP સ્કીમના રોડના અમલીકરણ બાબતે સવારે તેઓ ધ્રસ્કોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા અને ત્યાં સમજાવટ બાદ ઘરે પરત ગયા હતા. ઘર પાસે લોકોએ તેમને ફરીથી બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં મારામારી કરવામાં આવી હતી. હાલમાં કોર્પોરેટરને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે બળદેવ પટેલે જણાવ્યું હતું કે, આજે TP સ્કીમની રોડ કપાત મામલે સ્થાનિક લોકો ધારાસભ્ય બાબુ પટેલની ઓફિસે ગયા હતા. જ્યાં તેમને સમજાવ્યા હતા કે, જ્યારે ફાઇનલ TP થશે, ત્યારે જોઇશું.

જો તમે કહેશો તો મકાન તૂટશે નહીં તો જ્યારે ફાઇનલ TP થાય ત્યારે નિર્ણય લઇશું. સમજાવટ બાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા અને જ્યારે હું ઘરે પહોંચ્યો, ત્યારે મારી સોસાયટી જલતરંગ વિભાગ એકની બહાર જ પાંચેક લોકોનું ટોળું ઊભું હતું. જેવો ગાડીની બહાર આવ્યો ત્યારે મને લોકોએ માર માર્યો હતો. હુમલો કરનારા લોકોમાંથી હું એક માત્ર બટુકસિંહ નામના વ્યક્તિને ઓળખું છું. ઉલ્લેખનીય છે કે અગાઉ ધારાસભ્ય બાબુ જમના પટેલની ઓફિસમાં TP સ્કિમના અમલીકરણ માટે બેઠક થઇ હતી. ત્યારબાદ લોકોએ વિરોધ કરતા મામલો ઉગ્ર થયો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસે ઘટાનાને વખોડી હતી.

તેમજ જનતાના આક્રોશને લઇ ભાજપની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારે બિલ્ડરોની બદલે જનતાનું હિત જોવું જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીને જમણા હાથે, મોઢાના તેમજ બરડાના ભાગે ઇજા પહોચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કૃષ્ણનગર પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે બટુકસિંહ સહિત 6 લોકોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp