26th January selfie contest

ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ પાસે વીજ પોલ સાથે કાર અથડાતા 2ના મોત

PC: divyabhaskar.co.in

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતા રોડ તરફ આવેલા વીજના પોલ સાથે એક સફેદ કલરની કાર ધડાકાભેર અથડાઇ હતી. ત્યારબાદ ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતા રોડને નજીક લગાવવામાં આવેલા બે-ત્રણ કન્સ્ટ્રક્શન સાઇટની જાહેરાતોના બોર્ડ સાથે કાર અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના પાંચમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. મૃતકોમાંથી એક બિલ્ડરનાં પુત્રનો પણ છે.

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણ લોકોને હૉસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાયસણ વિસ્તારમાં મોટા પાયે બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઇટ બિલાડીના ટોપ સમાન ચાલી રહી છે. જો કે, પોતાની સાઇટની જાહેરાતો માટે બિલ્ડરો દ્વારા સિંગલ પટ્ટી રોડને અડીને લાઇન સર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માતો થવાની ઘટના સામે આવતી રહે છે.

ગઇ કાલે પણ સિંગલ પટ્ટી રોડ ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાયસણ ગામ વૃંદાવન બંગ્લોની સામેના ખેતરમાં રહેતો ધવલ ભૂપતભાઇ રાવલ, તેના મિત્રો જીગર રાવલ, પ્રવીણ રાવલ (કુડાસણ) અને, વિપુલ રાવલ અને હાર્દિક નવીનભાઇ પટેલ (રાયસણ) ગઇકાલે રાતના લગભગ 8:00 વાગ્યે ભેગા થયા હતા. ત્યારબાદ 9:00 વાગ્યાની આસપાસ વિપુલ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરી હતી. તેથી પાંચેય મિત્રો હાર્દિકની કારમાં નીકળ્યા હતા.

એ વખતે કાર પ્રવીણ ચલાવી રહ્યો હતો, ત્યારે BAPS સ્કૂલથી થોડે આગળ જતા રોડની સાઇડમાં આવેલા વીજના પોલ સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઇ ગઇ હતી. જેના કારણે પ્રવીણે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતા કન્સ્ટ્રક્શન સાઇટની જાહેરાતના બે-ત્રણ બોર્ડ સાથે કાર અથડાતા 2-3 વખત પલ્ટી મારી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જેમાં પ્રવીણ અને હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. જ્યારે ધવલ, જીગર અને વિપુલને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વડે સિવિલ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમાંથી ધવલની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ મામલે હાર્દિકના નજીકનાએ જણાવ્યું હતું કે, 26 વર્ષીય હાર્દિકની પત્ની અને 2 નાના બાળકો છે. જ્યારે તેનો પિતા નવીનભાઇ પટેલ બિલ્ડર છે. આ બાબતે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી પાસે પણ નેશનલ હાઇવે નંબર-48 પર અકસ્માત સર્જાયો છે. ચિખલી હાઇવે પર અલીપોર બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે, તો 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp