- Central Gujarat
- ભારે વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાઓએ લોકોનું જીવન રમણ ભ્રમણ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ભારે વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાઓએ લોકોનું જીવન રમણ ભ્રમણ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આખા ઓગસ્ટમાં મહિનામાં ગાયબ થઇ ગયેલો વરસાદ હવે ગુજરાતમાં તરખાટ મચાવી રહ્યો છે અને અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિ છે, લોકોને રેસ્કયૂ કરવામાં આવી રહ્યા છે, અનેક ગામો સંપર્ક વિહાણો થઇ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયું છે.મૂશળધાર વરસી રહેલા વરસાદે લોકોનું જીવન રમણ ભ્રમણ કરી નાંખ્યું છે. એવામા હવામાન વિભાગે 4 દિવસ ભારે વરસાદની આગાહી કરેલી છે એટલી લોકોની ચિંતા વધી ગઇ છે. નર્મદામાં ઘોડાપુરને કારણે અનેક ગામોની હાલત ખરાબ છે. પંચમહાલ, ગોધરા, પાલનપુર,માંગરોળ સહિતના અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગોધરાની વાત કરીએ મેશરી નદીમાં પૂરને કારણે આજુબાજુના વિસ્તારના લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયા છે.કડીમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોરવા હડફમાં ફસાયેલા 100 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

વરસાદે એવી તબાહી મચાવી છે કે અનેક વિસ્તારમાં જન જીવન ખોરવાઇ ગયું છે, લોકો મદદ માટે પોકાર કરી રહ્યા છે, કેટલાંક વિસ્તારોમાં હાલત એવી છે કે વીજળી નથી અને લોકોને જમવાનું પણ નસીબ થતું નથી.
નર્મદા જિલ્લાનું માંગરોળ ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું અને શાળાના બાળકો, શિક્ષકોને NDRFની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

રવિવારે સવારથી વરસાદ તોફાની બન્યો છે અને 149 તાલુકામાં દેમાર વરસ્યો છે. 49 તાલુકા એવા છે જેમા અડધો દિવસમા. 1 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના શેહરામાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે.
પાલનપુરમાં પણ વરસાદે અનેક વિસ્તારો ઘમરોળી નાંખ્યા છે, હાઇવે પર પાણી ભરાઇ ગયા છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે કપડવંજ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંટા ડેમમાંથી પાણી છોડવાને કારણે કપંડવજના 7 ગામો મુશ્કેલીમાં મુકાયા છે. ગળતેશ્વર ખાતે આવેલો અને વડોદરા જિલ્લાને જોડતો પૂલ બંધ કરી દેવામાં આવ્યો છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે તીર્થ ધામ ગણાતા ચાણોદમાં દેમાર વરસાદ અને નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે લોકોના હાલત ખરાબ થઇ ગઇ છે. ચાણોદમાં બે માળ સુધી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, 24 કલાકથી લાઇટ નથી, બાળકો ભુખથી ટળવળી રહ્યા છે. પશુઓની હાલત પણ દયાજનક બની છે.
જુલાઇ મહિનામાં ચોમાસું ઘણું સારું રહ્યું હતું, પરંતુ ઓગસ્ટ મહિનામાં બિલકુલ વરસાદ નહોતો પડ્યો, હવે સપ્ટેમ્બરના બીજા સપ્તહથી ચોમાસાના ધમધમાટ ચાલું થયો છે અને લોકોની જિંદગી વેરણ છેરણ થઇ ગઇ છે.

