અમદાવાદની બીલ્ડિંગમાં સાતમા માળે ભીષણ આગ, 15 વર્ષની પ્રાંજલ ન નીકળી શકી, મોત

PC: twitter.com

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. અહીં એક ઇમારતના સાતમા માળે ભીષણ આગ લાગી ગઇ છે. આ અકસ્માતમાં એક 15 વર્ષીય તરુણીનું મોત થઇ ગયું અને ઘણા લોકો ફસાયેલા છે. આ દરમિયાન કેટલાક લોકો જીવ બચાવવા માટેની વિનંતી કરતા નજરે પડ્યા. અકસ્માતની જાણકારી મળતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આગમાં સળગીને જે 16 વર્ષીય તરુણીનું મોત થઇ ગયું. તેના પરિવારના અન્ય સભ્યો ઘર પર નહોતા. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે, કયા કારણે આગ લાગી. ઉપરના માળમાં કેટલાક લોકો ફસાયેલા છે. આ દરમિયાન માળમાં લાગેલી ભીષણ આગના કેટલાક વીડિયો વાયરલ થયા છે. સાતમા માળની ગેલેરી પર આગની ઝપેટો વચ્ચે કોઇ ફસાયેલું નજરે પડી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયર વિભાગને ફોન કોલ મળ્યો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે.

ફાયર વિભાગના રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ઘરમાં રહેલા પરિવારના 5માંથી 4 સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઇ ગઇ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી.

ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની તરુણીને બહાર કાઢી હતી. આગને કારણે દાઝી ગયેલી તરુણીને બચાવી ફાયરબ્રિગેડે સારવાર માટે હૉસ્પિટલમાં પહોંચાડી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી પ્રાંજલનું મોત થઇ ગયું. આગ કયા કારણે લાગી એ હજુ અકબંધ છે.

અઠવાડિયા અગાઉ અમદાવાદમાં નારણપુરા વિસ્તારની મોદી આંખની હૉસ્પિટલમાં લાગેલી આગમાં 2 લોકોના મોત થઇ ગયા હતા. હૉસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોના મોત થઇ ગયા હતા. આ ઘટનામાં પણ હૉસ્પિટલમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નહોતું. હૉસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા બંધ હતા. મૂળ રાજસ્થાનનું વતની દંપતી આગમાં ગૂંગળામણ થવાના કારણે મોતને ભેટ્યું હતું. આ દંપતી હૉસ્પિટલની દેખરેખ રાખવાનું કામ કરતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp