હીરાબાઈના વડવા નાઇજિરિયાથી ગુજરાત આવેલા તેમણે એવું શું કર્યું કે પદ્મશ્રી મળશે

PC: twitter.com

આ વખતે પદ્મશ્રી મેળવનારાઓમાં એક નામ હીરાબાઈ લોબીનું છે. જૂનાગઢ, ગુજરાતમાં તલાલા તાલુકો છે, જેના મધુપુર જંબૂર ગામમાં હીરાબાઈ લોબી રહે છે. તેમને સીદી સમુદાય સહિત આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને બાળકોને શિક્ષિત કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ઈસ્લામને માનનારા સીદી સમુદાયના લોકોને આફ્રિકાથી ભારત ગુલામ બનાવીને લાવવામાં આવ્યા હતા. ગામના સરપંચ વિમલભાઈ વડોદરિયા કહે છે, હીરાબાઈને પદ્મશ્રી મળવાથી આસપાસના ગામોમાં પણ ઉત્સાહનો માહોલ છે. સીદી સમુદાયમાં જ નહીં પરંતુ, તમામ સમુદાયોમાં ખુશી છે. હીરાબાઈ લોબી પણ સીદી સમુદાયના છે અને તેમના પૂર્વજો સદીઓ પહેલા નાઈઝીરિયાથી આવ્યા હતા.

હીરાબાઈ લોબીએ જણાવ્યું કે, નાનપણમાં જ મારા માતા-પિતાનું અવસાન થઈ ગયુ હતું. દાદીએ મને ઉછેરી. મારા પતિ પણ ખેત મજૂર હતા. ત્રણ-ચાર વર્ષ પહેલા તેમનું પણ દેહાંત થઈ ગયું. બે દીકરા છે, એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે અને બીજો ખેત મજૂર છે. એક દીકરી છે, તે પણ ખેત મજૂરી કરે છે. અમારું ગામ મધુપુર જંબૂર છે. અહીં બે ગામ છે પરંતુ, ગ્રામ પંચાયત અને સરપંચ એક છે. જંબૂરમાં મોટાભાગના લોકો સીદી સમુદાયના છે. સીદી સમુદાય સામાજિક જ નહીં પરંતુ, આર્થિકરીતે પણ નબળા છે. મોટાભાગના લોકો ખેતરોમાં મજૂરી જ કરે છે.

જ્યારે હું ખેતરમાં મજૂરી કરતી હતી, તો વિચારતી હતી કે એવુ શું કરું કે તમામ બહેનો આત્મનિર્ભર બને. અમારે ત્યાં આઘા ખાન ફાઉન્ડેશન ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે કામ કરી રહ્યું હતું. હું તેમા જોડાઈ ગઈ. મહિલા સખી મંડળ બનાવતા શીખી. પછી અલગ-અલગ મહિલા મંડળ બનાવીને સમુદાયની મહિલાઓ સાથે રોજગાર પેદા કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં સમાજ સેવા શરૂ કરી, ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સખી મંડળ વિશે કોઈ જાણતું નહોતું. હવે અમે લોકો ખાતર બનાવીએ છીએ. હું પોતે પણ એ કામ કરું છું. જે મહિલાઓ પશુપાલન કરવા માંગે છે, તેમને લોન અપાવુ છું. કેટલીક મહિલાઓ લીમડાનું તેલ વગેરે બનાવે છે. અમે લોકો આરોગ્યનું પણ કામ કરીએ છીએ. શિક્ષણમાં પણ કામ કરીએ છીએ. 2004માં અમે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા વિકાસ ફાઉન્ડેશન બનાવ્યું.

અમારા ગામમાં મોટી આબાદી અનુસૂચિત જનજાતિની છે. મોટાભાગના ખેત મજૂર છે. કેટલાક સમુદાય અંદરોઅંદર ખૂબ લડે છે. એકબીજા વિરુદ્ધ કેસ કરવા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. અમે લોકો ખૂબ જ મુશ્કેલીથી સમાધાન કરાવીએ છીએ. તેમને રોજગાર પર ધ્યાન આપવા જાગૃત કરીએ છીએ. સમાજના બાળકોને ખરાબ આદતોથી બચાવીને શિક્ષણ તરફ લાવવીએ છીએ. જવાહર લાલ નેહરુની દીકરી ઈંદિરા ગાંધી મારા રોલ મોડલ છે. તેઓ મહિલા થઈને સમગ્ર દેશને સંભાળી શકે છે તો અમારા જેવી મહિલાઓ આત્મનિર્ભર શા માટે ના બની શકે? મારા દાદી પણ મારા રોલ મોડલ છે. મારી દાદી પાસેથી હું સંઘર્ષ કરતા શીખી. મારા દાદી કેહતા હતા, દુઃખ જોઈ રડવું નહીં, સુખ જોઈ અટકવુ નહીં.

મોદી સાહેબે મારી કદર કરી એ મને ખૂબ જ ગમ્યું. મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા તો જૂનાગઢમાં મારું સન્માન કર્યું હતું. પરંતુ, મને નહોતી ખબર કે પદ્મશ્રી કેટલું મોટું સન્માન છે. દીકરાએ જણાવ્યું કે તે કેટલું મોટું સન્માન છે. મારું સપનું હતું કે હું મારા ગામમાં આદિવાસી સમાજની મહિલાઓને પગભર કરું. અત્યારસુધીમાં અમે 14 ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. વિશ્વાસ હતો કે કામ કરીશ તો એક દિવસ સરકારની નજરમાં જરૂર આવીશ. આ પહેલા મને યૂરોપના એક દેશે સન્માન આપ્યું હતું. તેમા મને 500 ડૉલર પણ મળ્યા હતા. અંબાણી ભાઈઓએ મને સન્માનિત કરી હતી. જાનકી દેવી બજાજ સન્માન પણ મળી ચુક્યો છે. હવે માત્ર બે સપના અધૂરા છે. હું ઈચ્છું છું કે સરકાર મને જમીનનો એક ટુકડો આપે, જ્યાં હું આદિવાસી મહિલાઓ માટે રોજગાર કેન્દ્ર ખોલી શકું. બીજું, કોઈએ જંગલમાં ના રહેવુ પડે. બધાને મકાન મળે. સોનિયા ગાંધીને મળવાનું મારું સપનું હતું. પરંતુ, અહીંના કોંગ્રેસી નેતાઓએ ક્યારેય તેમને મળવા ના દીધા.

મારું નાનપણ ગરીબીમાં વીત્યું. અમારું આખુ સમુદાય ગરીબ હતું. જંગલોમાં ઘાસની ઝૂંપડીમાં લોકો રહેતા હતા. હવે તો પાક્કા મકાન છે. સરકારે જ્યારે આદિવાસીઓને જમીનો આપી તો લોકો ખેતી કરવા માંડ્યા. ઘણા લોકોએ જમીન વેચી નાંખી આથી સરકારે કાયદો બનાવ્યો કે સીદી સમુદાયની જમીન કોઈ ખરીદશે તો તેણે પાછી આપવી પડશે. સરકારે તો સમાજને આગળ લાવવા માટે ઘણું કર્યું પરંતુ, જાગૃતતાના અભાવે સમાજ આગળ ના જઈ શક્યો. ઈંદિરા ગાંધી અને મોદી સાહેબને છોડી દઈએ તો વચ્ચેની સરકારો વધુ સારું કામ ના કરી શકી. આજના સમયમાં નવી પેઢી પોતાના અધિકારો અંગે જાગૃત છે. પહેલાના લોકોને ઘણુ બધુ સમજાવવુ પડતું હતું. પહેલા અને આજના સમયમાં ઘણો તફાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp