આદિવાસી પંરપરાથી અજાણ ગુજરાતના મંત્રી ચરણામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પી ગયા

PC: gujarattak.in

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી ગુજરાતના એક મંત્રીની રમૂજી વાત સામે આવી છે. આદિવાસી દિવસની ઉજવણી કરવા ગયેલા મંત્રી આદિવાસી પરંપરાથી અજાણ હતા અને ધરતી માતા માટે ચઢાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. જો કે, ભુલથી આ વાત બની હોવાનું તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આદિવાસીઓ તેમની પરંપરા પાળવા માટે દેશી દારૂનો ઉપયોગ કરે છે.

આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતા અને અહીં પુજા વિધી રાખવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વર્ષોથી પરંપરા છે કે પૂજા વિધી પત્યા પછી ધરતી માતાને દેશી દારૂનો અભિષેક કરવાનો હોય છે. મંત્રી રાઘવજી પટેલને પૂજારીએ લીલા પાંડદામાં દેશી દારૂ મુકીને આપ્યો. રાઘવજી પટેલને આદિવાસી પરંપરા વિશે કોઇ જાણકારી નહોતી, એમણે પંચામૃત સમજીને દેશી દારૂને હાથમાં લીધો. આપણે જેમ પંચામૃત લીધા પછી માથે હાથ ફેરવીએ તેમ રાઘવજી પટેલે પણ માથે હાથ ફેરવી દીધો હતો.

પરંતુ એ પછી ખ્યાલ આવ્યો કે આ તો પંચામૃત નથી દેશી દારૂ છે. આ આખી ઘટનાનો વીડિયો ઉતરી ગયો હતો.

આદિવાસી દિવસની ઉજવણી પછી મીડિયા સાથે વાત કરતા કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અમારે ત્યાં ચરણામૃત હોય તેને હાથમાં આપવામાં આવે છે. આદિવાસીઓની પરંપરા વિશે મને બિલકુલ જાણકારી નહોતી એટલે પંચામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પિવાઇ ગયો. હકિકતમાં આદિવાસીઓ દેશી દારૂ ધરતી માતાને અર્પણ કરે છે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા પાછળનો આશય એવો હતો કે આદિવાસી તેમના પ્રશ્નોથી વાકેફ રહે અને તેમના ગૌરવ અને રક્ષણ જળવાઇ રહે. આદિવાસીઓના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસી સ્વાતંત્રય સેનાની બિરસામુંડાએ બિહાર- ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. લગાન માફ કરવા માટે પણ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી.

એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથના પવિત્ર મંદિરને બચાવવા માટે વેગડા ભીલે મદદ કરીને શહીદી વહોરી હતી એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપને પણ આદિવાસી સમાજના મદદ મળી હતી. એવું પણ કહેવાય છે કે ભગવાન રામને લંકા વિજય દરમિયાન ગુજરાતના ડાંગમાં રાજાઓને રોકવામાં આદિવાસીઓનો મોટો ફાળો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp