અમદાવાદ-વડોદરાને મળ્યા નવા મેયર, અમદાવાદમાં જૈન, તો વડોદરામાં...

PC: gujarati.news18.com

આજે અમદાવાદ અને વડોદરાને નવા મહિલા મેયર મળી ગયા છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા હતા. તો હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે 10:00 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણી પર મહોર લગાવવામાં આવી છે.

AMCમાં ભાજપના સત્તાધીશોની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે મેયર તરીકે શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની નિમણૂક કરવામાં આવી છે. તો શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.

વડોદરા મહાનગર સેવા સદનના આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ડૉ. શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા તરીકે મનોજ પટેલ (મચ્છો)ની નિમણૂંક કરવામાં આવી છે. આજે નવા ત્રણેય મહત્ત્વના હોદ્દાઓ માટેના નામો જાહેર થતા છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલા અનુમાનોનો અંત આવ્યો છે. મેયર તરીકે અણધાર્યું નામ આવતા બઘા જ ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે, દંડક તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન તેમજ પક્ષના નેતા અને દંડક માટે મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે પિન્કીબેન સોનીના નામની જાહેર થતા પક્ષમાં સન્નાટો છવાઇ ગયો છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ચિરાગ બારોટનું નામ લગભગ નિશ્ચિત હતું. તે પ્રમાણે જ નામ જાહેર થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સ્થાયી સમિતિના વર્તમાન બે સભ્યો ડૉ. શિતલ મિસ્ત્રી અને મનોજ પટેલ (મચ્છો)ના નામો ચાલી રહ્યા હતા. જેમાં કોરોના કાળ દરમિયાન સફળ કામગીરી કરનાર ડૉ. શિતલ મિસ્ત્રી મેદાન મારી ગયા. જ્યારે મનોજ પટેલ (મચ્છો)ને પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા બનેલા મેયર પિન્કીબેન સોનીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી M.B.B.S., M.S. (Gen. Sergery) થયા છે. પક્ષના નેતા તરીકે નિમણૂક થયેલા મનોજ પટેલ (મચ્છો) B.com. સુધીનો અભ્યાસ કર્યો છે. મેયર વોર્ડ નંબર- 4ના કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર-11ના કાઉન્સિલર, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી વોર્ડ નંબર-6ના કાઉન્સિલર, જ્યારે મનોજ પટેલ (મંચ્છો) નેતા વોર્ડ નંબર-7ના કાઉન્સિલર છે.

સ્થાયી સમિતિના સભ્યો

ડૉ. શીતલ મિસ્ત્રી, ભાણજી પટેલ, રાકેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૈહાણ, નીતીન દોગા, જાગૃતી કાકા, રીટા સીંઘ, ધનશ્યામ સોલંકી, કેતન પટેલ, હેમિષા ઠક્કર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp