તથ્ય પટેલે માત્ર ઇસ્કોન બ્રીજ પર જ નહીં, આ પહેલા પણ બે વખત ગાડી ઠોકી છે હવે...

PC: jagran.com

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બેફામ કાર હંકારીને 9 લોકોની જિંદગી વેરણ છેરણ કરી નાંખનાર તથ્ય પટેલની ધરપકડ બાદ પોલીસને તથ્ય પટેલના અન્ય કારસ્તાન જાણવા મળી રહ્યા છે. બાપના પૈસા તાગડ ધિન્ના કરનારા 19 વર્ષના તથ્ય પટેલે  માત્ર ઇસ્તોન બ્રીજ પર પહેલીવાર જ અકસ્માત કર્યો છે એવું નથી, પરંતુ આ પહેલાં પણ તેણે બે વખતે તેની કાર અન્ય જગ્યાએ ઠોકી હતી.

તથ્ય પટેલે ઓવર સ્પીડ કાર ચલાવીને ગાંધીનગરના એક મંદિરમાં અને હજુ તો 15 દિવસ પહેલાં જ એક રેસ્ટોરન્ટની દીવાલ સાથે કાર ઠોકી નાંખી હતી. પોલીસે હવે આ બંને અકસ્માતના પણ ગુના નોંધી દીધા છે.તથ્ય પટેલના એક પછી એક બહાર આવી રહેલાં કારનામા જોતા પોલીસ પણ ચોંકી ગઇ છે.

જાણવા મળેલી માહિતી પ્રમણા તથ્ય પટેલે 1 જાન્યુઆરી 2023ના દિવસે વાંસજડા ગામની ભાગોળે સાણંદ તરફ જતા રોડ ઉપર આવેલ બળિયાદેવ મંદિરની આગળની સાઇડના એક પિલરમાં કાર ઘુસાડી દીધી હતી. તે વખતે પણ તથ્ય પટેલ જેગુઆર કાર જ ચલાવતો હતો. તથ્ય પટેલે મંદિરના ભાગને લગભગ 20,000 રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું.

કલોલ વાંસજડા પૂર્વ ગામના મણાજી પ્રતાપજી ઠાકોર ગામના સરપંચે હવે સાતેજ પોલીસ સ્ટેશનનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. મણાજી ઠાકોરે કહ્યુ કે, જ્યારે 1લી જાન્યુઆરી 2023ના દિવસે  બળિયાદેવ મંદિરમાં વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે એક કાર ઘુસી ગઇ હતી તે વખતે તેમની પાસે કારનો નંબર કે કાર ચલાવનાર વિશે કોઇ માહિતી નહોતી એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ જ્યારે તથ્ય પટેલના મિત્રોએ પોલીસને બળિયાદેવ મંદિરમાં તથ્ય પટેલે કાર ઠોકી દીધી હતી તેવું નિવેદન આપ્યું ત્યારે ખબર પડી કે એ તથ્ય પટેલ જ હતો. પોલીસનું માનવું છે કે 31 ડિસેમ્બરે ન્યૂ યરની ઉજવણી કરીને તથ્ય પટેલ પાછો ફર્યો હશે ત્યારે આ અકસ્માત કર્યો હોવો જોઇએ.

બીજા અકસ્માતની વાત કરીએ તો હજુ પંદરેક દિવસ પહેલાં જ  અમદાવાદના સિંધુ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટની દિવાલ તુટી ગઇ હતી. તથ્ય પટેલ 0093 નંબરની થાર કાર ચલાવતો હતો અને કાર પર કાબુ ગુમાવી દેતા રેસ્ટોરન્ટની દિવાલમાં કાર ઘુસાડી દીધી હતી પછી તથ્ય પટેલ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઇસ્કોન બ્રીજની ઘટના બાદ આ રેસ્ટોરન્ટના અકસ્માતના વીડિયો સામે આવ્યા બાદ હવે એ ઘટનામાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

અને 20 જુલાઇએ તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના જીવ લઇ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp