અમદાવાદઃ કાકાના દીકરા પાસે 2 લાખ વ્યાજે લીધા હતા, ચૂકવી દીધા પછી 11 લાખની માંગણી

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં વ્યાજખોરીના વિષચક્રના અજગરભરડામાં અનેક લોકો ફસાઇ ચૂક્યા છે ત્યારે પોલીસે વ્યાજખોરી દુરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ લાગે છે કે હજુ પણ વ્યાજખોરોનું ચક્કર પુરી રીતે ખતમ નથી થયું. અમદાવાદામં એક પૌઢે કાકાના દીકરા પાસેથી 2 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે લીધા હતા, તેમનો દાવો છે કે તેમણે પુરેપુરી રકમ ચૂકવી દીધા પછી પણ તેમની પાસે 11 લાખ 54 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે. પૌઢે પોલીસને ફરિયાદ કરી છે.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા જયંતિભાઇ નાડિયાએ 15 ઓકટોબર 2007માં તેમના કાકાના દીકરા તુલસીભાઇ ચાવડા પાસેથી 1.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. તે વખતે તેમને પૈસાની જરૂરિયાત હતી. જંયતિભાઇએ જ્યારે 1.50 લાખ ઉછીના લીધા ત્યારે તુલસીભાઇને સિક્યોરીટી પેટે  એક કોરો ચેક અને પોતાની જમીન ગીરવે મુકી હતી.

એ પછી વર્ષ 2009માં જયંતિભાઇને ફરી રૂપિયાની જરૂર પડી તો તેમણે તુલસીભાઇ પાસે બીજા 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. એમ જયંતિભાઇએ કુલ 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

10 વર્ષ પછી એટલે કે 2017માં જયંતિભાઇ પાસે રૂપિયાની સગવડ થઇ જતા તેમણે તુલસીભાઇને 2 લાખ રૂપિયા આપી દીધા હતા. પૈસા આપી દીધા પછી જયંતિભાઇએ તુલસીભાઇ પાસે કોરા ચેક અને જમીનના દસ્તાવેજો માંગ્યા હતા.

તુલસીભાઇએ જયંતિભાઇને કોરા ચેક અને જમીનના દસ્તાવેજો તો આપ્યા નહીં, પરંતુ તેમની પાસે વ્યાજ પેટે 11 લાખ 54 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જયંતિભાઇના બનેવી અંબાલાલ પણ  વ્યાજના 11 લાખ 54 હજાર ચુકવી દેવા માટે પ્રેસર કરતા  હતા.એવામાં એક દિવસ એવું બન્યું કે જયંતિભાઇને 2021માં કોર્ટની ચેક રિટર્નની નોટિસ મળી હતી. તુલસીભાઇએ એ કોરો ચેક બેંકમાં ભરી દીધો હતો, પરંતુ રિટર્ન થયો હતો.

આખરે જયંતિભાઇએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તુલસીભાઇ અને અંબાલાલ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

વ્યાજખોરીનું વિષચક્ર ખતરનાક છે. નાના નાના લોકો જેમને ઘણી વખત રૂપિયાની જરૂર પડે અથવા નાના પાયે બિઝનેસ કરવા માટે બેંકોમાંથી સરળતાથી લોન મળતી નહીં હોવાને કારણે આવા વ્યાજે પૈસા આપતા લોકો પાસેથી ઉછીના રૂપિયા લે છે. એમનું વ્યાજ વર્ષે 24 ટકાથી 60 ટકા સુધીનું હોય છે. નાનો માણસ વ્યાજ ભરતા ભરતા જ તુટી જાય છે. ઘણા લોકો વ્યાજના ચક્કરમાં ખુંવાર થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp