9 લોકોની જિંદગી ભરખી જનાર બાપ-દીકરાને કાયદાનું ભાન કરાવીશું: હર્ષ સંઘવી

અમવાદાના ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે જેગુઆર કારમાં પુરપાટ ઝડપે જતા 19 વર્ષના તથ્ય પટેલની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. તથ્ય પટેલના કાર અકસ્માતમાં 9 નિદોર્ષ લોકોના મોત થયા છે અને તથ્ય પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત પછી ટોળાએ તથ્ય પટેલની બરાબરની ધોલાઇ કરી હતી અને તથ્ય પટેલ પગે લાગીને વિનંતી કરતો હતો, પરંતુ લોકોના ગુસ્સો આસમાન પર હતો.આ દરમિયાન હવે રાજ્યના ગૃહ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે,તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કાયદો શું છે તેનું ભાન કરાવવામાં આવશે, બંને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશની સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તથ્યના પિતા ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને બુધવારે પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે જઇને લોકો સાથે માથાકુટ કરી હતી. પોતાની દીકરાની ભૂલ કબુલવાને કારણે ઉલટા ચોર કોટવાલ કો દાટે ની જેમ પ્રજ્ઞેશે અકસ્માત સ્થળે લોકોને ધમકાવ્યા હતા. લોકોને ધમકાવ્યા તેના માટે પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવશે. સંઘવીએ આગળ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે 5 PI, 3થી વધારે DCPને જોડવામાં આવ્યા છે. ઘટનાનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં મળી જશે અને આવતીકાલે સાંજ પહેલા પોસ્ટમોર્મટનો રિપોર્ટ આવી જશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે એક સપ્તાહની અંદર ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આને અમે એક અતિગંભીર કેસ તરીકે લઇ રહ્યા છીએ. બંને બાપ દીકરાએ 9 પરિવારોની ખુશી છીનવી લીધી છે, તેમના માળા વેરવિખેર કરી નાંખ્યા છે અને પાછો પિતા ઘટના સ્થળે જઇને દાદાગીરી કરે છે. તેમને કાયદાનું ભાન કરાવવું જ પડશે.હર્ષ સંઘવીએ કહ્યું કે મને એ વાતનું દુખ છે કે આ વ્યકિત પાસે વકીલની ડીગ્રી છે.
રાજ્યના ગૃહ મંત્રીએ કહ્યું કે, મારે દરેક માતા-પિતાને વિનંતી સાથે કહેવું છે કે તમારા બાળકોને રસ્તાનું ભાન કરાવો, રસ્તો લોકોના વાહન ઉપયોગ માટે છે એ રેસીંગ ટ્રેક નથી તેનું તમારા બાળકોને ભાન કરાવો. તમારા બાળકોના મોજશોખમાં નિદોર્ષોના જીવ જાય તે ચલાવી શકાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp