ફીના રૂપિયા ન હતા, વડોદરામાં 2 દીકરીઓની હત્યા બાદ ડિવોર્સી માતાનો આપઘાતનો પ્રયાસ

વડોદરામાં એક જનેતાએ જ પોતાની બે દીકરીઓની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. વડોદરાના કારેલીબાગમાં અક્ષતા સોસાયટીમાં રહેતી એક માતાએ પોતાની બે દીકરીઓને ઝેર આપીને તેમની હત્યા કરી હતી. બાદમાં પોતે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને દીકરીઓના મોત નીપજ્યા છે. જ્યારે, મહિલાને મકાન માલિકે ગળાફાંસો ખાતી વખતે જોઈ લેતા તેને બચાવી લીધી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં દક્ષા બેન પોતાની બે દીકરીઓ સાથે રહે છે. દક્ષાબેન ચૌહાણ પતિથી ડિવોર્સ લીધા બાદ દીકરીઓ સાથે એકલા રહે છે. તેમણે પોતાની બંને દીકરીઓને ઝેર આપી તેમની હત્યા કરી હતી. દક્ષાબેનની મોટી દીકરી હની ચૌહાણ TYB.Comમાં અભ્યાસ કરતી હતી જ્યારે નાની દીકરી શાલિની 9માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. દક્ષાબેને 20 દિવસ પહેલા જ આ મકાન ભાડે રાખ્યું હતું અને આર્થિક સંકડામણને પગલે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના અંગે માહિતી આપતા ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આર્થિક સંકડામણના પગલે દક્ષા બેને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દક્ષા બેન ચૌહાણે ઘરનું ભાડું તેમજ દીકરીના ટ્યૂશનની 22000 રૂપિયાની ફી ના ભરી શકવાને કારણે સામુહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો. દક્ષા ચૌહાણે પહેલા બંને દીકરીઓને ઝેરી દવા આપી, બાદમાં ગળે ટૂંપો આપી તે બંનેની હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ઝેરી દવા ખાઈ ગળાફાંસો ખાવાની તૈયારી કરતા હતા તે સમયે મકાન માલિકે આવીને તેને બચાવી લીધી હતી. સાથે જ, દક્ષા ચૌહાણે લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી છે.
પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, દક્ષા ચૌહાણ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. ઘટના અંગે દક્ષા ચૌહાણની બહેન નીલમે જણાવ્યું હતું કે, દક્ષાની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, છેલ્લાં ઘણા સમયથી તે એકલી બે દીકરીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. દક્ષાને બે દીકરીઓ થતા પતિ અશોક ચૌહાણે તેને તરછોડી દીધી હતી. ઘણા વર્ષોથી દક્ષા પોતાની બંને દીકરીઓનો એકલા હાથે ઉછેર કરી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp