ગુજરાતમાં કોરોનાના 133 નવા કેસ, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ

PC: mid-day.com

ગુજરાતમાં ફરી એક વખત કોરોના માથું ઊંચકી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાના લક્ષણવાળા ફ્લૂએ પણ જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, શનિવારે રાજ્યમાં કોરોનાના 179 કેસ નોંધાયા હતા. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 133 નવા કેસ નોંધાયા છે. જ્યારે 48 દર્દીઓ સારા થયા છે અને હાલમાં 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 740 એક્ટિવ કેસ છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 735 દર્દીઓ હાલ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોના મોત થયા છે. કોરોના કેસને લઇને જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મહેસાણામાં 16, સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 6, ભરૂચ, વલસાડ, ભાવનગર, ગાંધીનગરમાં 3-3, પોરબંદરમાં 2, જ્યારે અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મહીસાગરમાં, મોરબીમાં અને સુરેન્દ્રનગરમાં પણ 1-1 કોરોનાના નવા કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. રવિવારે મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 68 પર આવી પહોંચ્યો છે. હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે સતત ચોથા દિવસે કોરોના ઝડપથી વધી રહ્યો છે. જેમાં રવિવારે એક જ દિવસમાં 16 કેસ સામે આવ્યા હતા, જેમાંથી મહેસાણા શહેરમાં 2, ગ્રામ્ય વિસ્તારોમાં 3, કડી શહેરમાં 2 અને ગામડાઓમાં 5, બેચરાજી તાલુકામાં, વિજાપુર શહેરમાં, ગામડાઓમાં, ખેરાલુ તાલુકામાં 1-1 મળી નવા 16 કેસ નોંધાયા હતા. જિલ્લામાં રવિવારે નવા 441 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લામાં આજે સિઝનલ ફ્લૂના એક દર્દીને રજા આપી દેવાઈ છે.

તો બીજી બાજુ સિઝનલ ફ્લૂનું વધુ એક સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરના રામદેવનગર, હરણી, સમા, ભાયલી અને સુભાનપુરા વિસ્તારમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. કુલ 270 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલમાં 20 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો 3 દર્દીઓને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં શનિવારે 13 કેસ પોઝિટિવ નોંધાયા બાદ આજે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં-9, 14 અને 8માંથી કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે જેમાં 3 દર્દીએ વેક્સીનના 3 ડોઝ અને 3 દર્દીએ વેક્સીનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. તેમાંથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp