26th January selfie contest

કેસ વધતા આ રાજ્યમાં માસ્ક પહેરવા ફરજિયાત થયા

PC: thehindubusinessline.com

ભલે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કેટલાક રાજ્યોની સરકાર કોરોના વાયરસને લઇને ખૂબ સાવધાની રાખી રહી છે. સોમવારે કેરળ સરકારે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે. એ સિવાય આ આદેશમાં દુકાનો, થિયેટરો અને કોઇ પણ કાર્યક્રમના આયોજકોને અનિવાર્ય રૂપે સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પણ પાલન કરવામાં આવશે.

આ અગાઉ રાજ્ય સરકારે 12 જાન્યુઆરીના રોજ પોતાના આદેશમાં રાજ્યમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે પ્રભાવી ઉપાય કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. દેશના બધા રાજ્યોની તુલનામાં કેરળમાં કોરોના વાયરસના સક્રિય કેસ સૌથી વધુ છે. ત્યારબાદ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં કેસ સક્રિય છે. ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરી 2023ની સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 2,149 હતી.

ભારતના કેરળમાં 1,303 કેસ સક્રિય છે, જ્યારે કર્ણાટકમાં સક્રિય કેસોની સંખ્યા 146 છે. એ જ પ્રકારે મહારાષ્ટ્રમાં 139, ઓરિસ્સામાં 87, પૂડુચેરીમાં 76, તેલંગાણામાં 41, ઉત્તરખંડમાં 18, ઉત્તર પ્રદેશમાં 18, પશ્ચિમ બંગાળમાં 55, રાજસ્થાનમાં 6 કેસ સક્રિય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે આપવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં 114 નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. તેની સાથે જ 24 કલાકની અવધિમાં સક્રિય કેસોમાં 30નો ઘટાડો નોંધાયો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી છે. દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નહોતો અને ન તો તેના કારણે કોઇનું મોત થયું છે. અહીં સંક્રમણ દર 0.00 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં કોરોનાની શરૂઆત બાદ પહેલી વખત એમ થયું છે કે એક પણ કેસ આવ્યો નથી. જ્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 931 કોરોનાના ટેસ્ટ થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, ચીનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1,08,55,369 પહોંચી ગઇ છે, જ્યારે અત્યાર સુધી 33,698 લોકોના મોત થઇ ચૂક્યા છે. ચીને છેલ્લા 7 દિવસ દરમિયાન 1,23,107 લોકોમાં સંક્રમણની જાણકારી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp