- Coronavirus
- સિંહોની વસ્તી ગણતરી ચોમાસું અને તે પછી પણ આ કારણે ચાલુ વર્ષે નહીં થઇ શકે
સિંહોની વસ્તી ગણતરી ચોમાસું અને તે પછી પણ આ કારણે ચાલુ વર્ષે નહીં થઇ શકે
ગુજરાતના સિંહોની પાંચ વર્ષિય ગણતરી અચોક્કસ મુદ્દત સુધી મુલતવી રહી છે. આ ગણતરી મે મહિનામાં શરૂ થવાની હતી. સિંહોની આ 15મી ગણતરી હતી. રાજ્યના ગીર અભ્યારણ્ય અને અન્ય વિસ્તારો કે જ્યાં સિંહોની વસતી છે ત્યાં ગણતરીકારો પહોંચીને કામગીરી શરૂ કરવાના હતા.
જો કે સિંહોની સંખ્યા, નિરીક્ષણ અને ગણતરી કરવાની માસિક કવાયત ચાલુ રહેશે. રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે આ ગણતરી મોકુફ રાખવામાં આવી છે. આ ગણતરી હવે ક્યારે થશે તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે અત્યારે કોરોના સંક્રમણના સમયમાં કોઇ ચોક્કસ તારીખ આપી શકાય નહીં. જો કે ચોમાસુ શરૂ થતું હોઇ આ ગણતરી આ વર્ષે થાય તેવી સંભાવના ઘણી ઓછી જોવા મળી રહી છે.
ગુજરાતમાં જૂનના મધ્યથી ચોમાસુ શરૂ થાય છે ત્યારે સિંહોની ગણતરી થાય તેમ નથી. ચોમાસા દરમ્યાન અને તે પછી સિંહોનો મેટીંગ પિરીયડ હોય છે ત્યારે પણ ગણતરી શક્ય નથી તેથી હવે 2021માં ગણતરી થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં દર પાંચ વર્ષે સિંહોની ગણતરી થતી હોય છે.
કોરોના સંક્રમણના સમયે સિંહોની ગણતરી એટલા માટે પણ શક્ય નથી, કે અમેરિકાના ન્યૂયોર્કમાં એક માનવીના ચેપના કારણે વાઘણને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ગુજરાતમાં જો કોઇ વ્યક્તિ કે કર્મચારી ગણતરી કરવા જાય અને સિંહને ચેપ લાગે તો મુસિબત ઉભી થાય તેમ છે તેથી પણ સિંહોની ગણતરી હાલ શક્ય નથી. કોરોના મહામારી જ્યાં સુધી સંપૂર્ણ કાબૂમાં ન આવે ત્યાં સુધી ગણતરી થવાની નથી.
ગુજરાતમાં એશિયાટીક સિંહોના વિવિધ કારણોસર મૃત્યુ થાય છે પરંતુ તેની સાથે બમણાં સિંહોનો જન્મ પણ થાય છે. છેલ્લે 2015માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે 523 નોંધાયા હતા. 2020માં જો ગણતરી થઇ હોય તો અનુમાન પ્રમાણે સિંહોની સંખ્યા 1000 જેટલી થવાની હતી.

