26 વર્ષ સુધી પણ MBBSમાં પાસ થઇ ન શક્યા, થાકીને કોલેજે 4ને કહ્યું હવે બસ થયું...

KGMUએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, જે વિદ્યાર્થીઓ MBBSની પરીક્ષા પાસ કરી શક્યા નથી તેમાં સૌથી જૂનો વિદ્યાર્થી 1997 બેચનો છે. આ પછી 1999, 2001 અને 2006 બેચના વિદ્યાર્થીઓ છે. હવે KJMUએ આ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દીધા છે.
વાસ્તવમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં 4 વિદ્યાર્થીઓ એવા છે જે 21 વર્ષથી 26 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ પણ MBBSની પરીક્ષા પાસ કરી શક્યા નથી. અત્યાર સુધી MBBSની પરીક્ષા પાસ કરવાનો મહત્તમ સમયગાળો નક્કી નહોતો, કદાચ આ જ કારણોસર આ વિદ્યાર્થીઓ જ્યારે પણ MBBSની પરીક્ષા આવતી હતી, ત્યારે પરીક્ષાનું ફોર્મ ભરીને પરીક્ષામાં બેસી જતા હતા. જો કે હવે KGMU દ્વારા આ ચાર વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.
કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના પ્રવક્તા ડૉ. સુધીર કુમારે જણાવ્યું હતું કે, પ્રવેશ રદ કરતા પહેલા વિદ્યાર્થીઓને તૈયારીથી લઈને પરીક્ષા પાસ કરવા સુધીની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. નબળા વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવી હતી અને તેમને એક વર્ષ માટે નિયમિત વર્ગોમાં અભ્યાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી જાણી શકાય કે, તેઓ કયા વિષયમાં નબળા છે. જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા પછી વચ્ચેથી કોર્સ છોડી દીધો હતો તેમને યુનિવર્સિટીએ મર્સી અપટેમ્પની પણ મંજૂરી આપી હતી. આવા વિદ્યાર્થીઓની સુવિધા માટે, વધારાના વર્ગો આપવામાં આવ્યા હતા અને પછી તેમને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ બેદરકારી દાખવી પરીક્ષા આપી ન હતી.
ડો.સુધીરે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા થતી ત્યારે પરીક્ષા આપવા આવતા હતા અને ક્યારેક આવતા ન હતા. કારણ કે તેઓ વિચારતા હતા કે, એવી કોઈ સમય મર્યાદા તો નથી, તો તેઓ ગમે તેટલા વર્ષો સુધી ફોર્મ ભરતાં રહેશે, ભલે ને નાપાસ થતા રહેતા, પરંતુ હવે વિદ્યાર્થીઓ આમ કરી શકશે નહીં. યુનિવર્સિટીએ કહ્યું કે, હવે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેઓએ નિયમિત વર્ગો લેવા પડશે. આ સાથે વધારાના વર્ગમાં હાજર રહેવું પડશે, જેથી જે વિષયોમાં તેઓ નબળા હોય તેને મજબૂત બનાવીને પરીક્ષા પાસ કરી શકાય.
ડો. સુધીરે વધુમાં જણાવ્યું કે, જે રીતે અગાઉ MBBSની પરીક્ષા પાસ કરવા માટે કોઈ સમય મર્યાદા ન હતી, કે આ સમય મર્યાદામાં પરીક્ષા પાસ કરવાની જ હોય છે, તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશનના ધોરણોના આધારે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલે હવે નિર્ણય લીધો છે કે, જો કોઈ વિદ્યાર્થી 10 વર્ષમાં પણ પરીક્ષા પાસ કરી શકતો નથી, તો તેનો MBBS અભ્યાસ રદ કરવામાં આવશે અને તેને પ્રવેશ પણ આપવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp