એવું શું થયું કે, મંત્રી બાવળિયાની શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

PC: divyabhaskar.co.in

દાદાની વ્હાલી દીકરી, પિતાના પ્રેમ અને માતાની મમતામાં ઉછરેલી કાજલે 20 મિનિટમાં જ દુનિયામાંથી વિદાઇ લઇ લીધી. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સ્કૂલમાં એ 20 મિનિટમાં એવું તે કંઇક થયું જેનું રહસ્ય 10 દિવસ બાદ પણ અકબંધ છે. આ ઘટનામાં વીંછિયાના છાસિયા ગામના જોગરાજીયા પરિવાર માથે તો વીજ જ પડી છે. બાવળિયાની સ્કૂલમાં 10માં ધારણમાં ભણતી અને સ્કૂલની જ હોસ્ટેલમાં રહેતી કાજલનું શબ 23 જાન્યુઆરીએ રાતે 9:35 વાગ્યાની આસપાસ ઝાડ પર ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં મળી આવ્યું. શાળાવાળા અને પોલીસ તેને આત્મહત્યા કહે છે.

ચાલો, માની લઇએ કે આત્મહત્યા છે તો પણ તેની પાછળનું કારણ શું છે? આરોપ-પ્રત્યારોપો વચ્ચે એક અખબારની ટીમ છાસિયા ગામે પહોંચી હતી અને આઘાતમાં સરી પડેલા જોગરાજીયા પરિવારને મળી હતી. ઘરે જતા જ કાજલની માતા વસંતાબેન આંસુ લૂંછતા બોલ્યાં સાહેબ, હવે દીકરીના ફોટા સાથે જ અમારે બેસવાનું ને. છેલ્લે ‘પરીક્ષા આપીને દાદા પાછી આવીશ’નો કોલ આપ્યો, પણ એ આવી જ નહીં અને પરિવાર આજે પણ સાચું કારણ જાણવા માગે છે.

ટીમ રાજકોટથી છાસિયા ગામ પહોંચી તો સાંકડી ગલીઓ વચ્ચે પસાર થઇ કાજલના ઘરના પ્રવેશદ્વાર પર પહોંચી હતી. પણ ઘરનો પ્રવેશદ્વાર જ જોવા ન મળ્યો. ઘર એકદમ ખુલ્લું જોવા મળ્યું. પ્રવેશદ્વાર વગરના ઘરની બહાર સુખડનો હાર પહેરાવેલા કાજલનો ફોટો ખુરશી પર જોવા મળ્યો હતો. અહીં સૌ કોઇની આંખોમાં આંસુ આવી જાય તેવી તસવીરમાં કાજલના ચહેરા પર માસૂમિયત જોવા મળી હતી.

ઘરની અંદર પ્રવેશ્યા તો ઓસરીમાં એક તરફ કાજલના પિતા મુકેશભાઇ અને દાદા કાવરાભાઇને લોકો સાંત્વના આપતા નજરે પડ્યા હતા. જ્યારે ઓસરીના બીજા છેડે માતાની આંખો આંસુથી છલકાઇ રહી હતી. માતા એટલી આઘાતમાં છે કે સતત કાજલનું જ રટણ કરી કરે છે.કાજલના ઘરની મુલાકાત પહેલાં અખબારની ટીમ જે શાળામાં કાજલે આત્મહત્યા કર્યો ત્યાં પહોંચી હતી. આ શાળા અમરાપુર ગામથી થોડે દૂર આવેલી છે.

આ મામલે શાળાના આચાર્ય અને કુંવરજી બાવળિયાની દીકરી ભાવનાબેન બાવળિયાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ મને 09:35 વાગ્યા થઇ ગઇ હતી. 9:00 વાગ્યે કાજલ રીડિંગ રૂમમાં બેઠી હતી અને પુસ્તકો સાથે હતી. 9:15ની આસપાસ તે વોશરૂમ જવા માટે નીકળી હતી, એટલે અન્ય દીકરીઓને એવું લાગ્યું કે તે વોશરૂમમાં જઇ રહી છે. 9:30એ અમારે ત્યાં સૂવાનો બેલ પડે છે, એટલે રૂમમાં સંખ્યા ગણવાની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે એવું પૂછવામાં આવ્યું કે બધી દીકરીઓ આવી ગઇ છે. એટલે રૂમ નંબર-3માં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ એમ કહ્યું કે, અમારા રૂમમાં કાજલ નથી આવી.

એટલે અમે તુરંત જ વોશરૂમની તપાસ કરી અને આજુબાજુમાં તપાસ કરી અને 9:35 મિનિટે વોશરૂમની પાછળ ઝાડમાં દોરીથી લટકેલી હાલતમાં બાથરૂમ પાછળથી કાજલ મળી આવી હતી. કાજલ ભણવામાં હોશિયાર હતી, પરંતુ ધો.9થી તેને અભ્યાસનું ટેન્શન હતું. કદાચ કોઇ વિષય ન આવડતો હોય તો તે અંગે તે ખૂબ જ સીરિયસ થઇ જતી હતી. 9માં ધોરણમાં તેને એક-બે દિવસ હેડકી આવી હતી ત્યારે અમે રાજકોટ ખાતે આવેલા મનોચિકિત્સકને બતાવ્યું હતું. ત્યારે ડૉક્ટરે એવું જણાવ્યું હતું કે, દીકરી વધારે પડતી લાગણીશીલ છે, એટલે ભણવાનું ટેન્શન કે લેશનનું ટેન્શન આ બહેન ઉપર આપવું નહીં.

કાજલની આ બીમારીને લઇ ભાવનાબેન આગળ વાત કરતા જણાવે છે કે, 20 ફેબ્રુઆરી 2022ના રોજ અમે રાજકોટના ડૉક્ટર વિશાલ ગરાડા પાસે ગયા હતા. તેનો રિપોર્ટ પણ તેમની પાસે છે અને તેની દવા પણ 15 દિવસ માટે ચાલુ હતી. શાળામાં જેટલા શિક્ષકો કાર્યરત છે અને હૉસ્ટેલમાં જેટલા લોકો કાર્યરત છે એ બધાને સૂચના આપવામાં આવી છે કે, ક્યારેય કોઇને વ્યક્તિગત ઠપકો આપવો નહીં.

સ્ટાફમાંથી એક પણ વિદ્યાર્થિનીને કોઇ ખિજવાયા નથી કે કોઇને લેશન બાબતનું પ્રેશર કે દબાણ આપ્યું નથી. હૉસ્ટેલમાં પણ અમે સમૂહમાં સૂચના આપતા હોઇએ છીએ કે વાંચવા બેસી જાઓ, સૂવાનો સમય થઇ ગયો છે. આ પ્રકારની સૂચનાઓ અમે સમૂહમાં આપીએ છીએ, અમે ક્યારેય કોઇને વ્યક્તિગત સૂચના આપી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp