2 વર્ષમાં 2 કરોડ યુટ્યૂબ સબસ્ક્રાઇબર્સ! હરિયાણાના છોકરાએ ખોલ્યા સફળતાના રહસ્યો

PC: missmalini.com

હરિયાણાના પ્રખ્યાત યુટ્યૂબર અને અભિનેતા દુષ્યંત કુકરેજાએ પોતાની સફળતા પાછળનું રહસ્ય જાહેર કર્યું છે. એક ચેનલ સાથેની વાતચીતમાં તેણે પોતાની કામ કરવાની રીત વિશે ખુલીને વાત કરી. 23 વર્ષીય નિર્માતાએ જણાવ્યું છે કે, કેવી રીતે તે ખૂબ જ ટૂંકા ગાળામાં યુટ્યૂબ પર સફળ બન્યો, તે પણ મુખ્યત્વે શોર્ટ્સ વીડિયો બનાવીને. અહીં તમને જણાવી દઈએ કે, 5 ડિસેમ્બર 2022ના રોજ, YouTubeએ વર્ષના ટોપ-20 સર્જકોના નામ જાહેર કર્યા હતા. આમાં દુષ્યંતનું નામ ચોથા સ્થાને હતું.

દુષ્યંત કુકરેજાની યુટ્યૂબ ચેનલના 2 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તે મોટાભાગે ચેનલ પર ફની શોર્ટ્સ અપલોડ કરે છે. તેના ઘણા વીડિયો પર 200 મિલિયનથી વધુ વ્યૂઝ છે. તેણે કહ્યું કે તેની ચેનલની સફળતામાં તેની બહેનની પણ 50 ટકા મહેનત છે. દુષ્યંતની બહેન પ્રિયલ કુકરેજા પણ યુટ્યૂબ ક્રિએટર છે અને પ્રિયલની યુટ્યૂબ ચેનલના પણ લગભગ 12 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે.

દુષ્યંતે વર્ષ 2015માં તેની યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી, પરંતુ તે કહે છે કે છેલ્લા બે વર્ષમાં જ તેને જબરદસ્ત સફળતા મળી છે. દુષ્યંતે કહ્યું, ઘણા વર્ષોની મહેનત છે. પરંતુ મારી યુટ્યૂબ ચેનલ છેલ્લા બે વર્ષમાં ઝડપથી વધી છે. બે વર્ષ પહેલા અમારી પાસે માત્ર 40 હજાર સબસ્ક્રાઈબર હતા. પરંતુ હવે તે વધીને લગભગ 2 કરોડ થઈ ગયા છે.

તેણે કહ્યું કે, આટલો ઝડપી વિકાસ એટલા માટે થયો કારણ કે જ્યારે યુટ્યૂબ પર શોર્ટ્સ ફીચર આવ્યું ત્યારે અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. અમારા ઘણા વીડિયો વાયરલ થઇ ગયા.

દુષ્યંતે વીડિયો વાયરલ થવાનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું, મેં બનાવેલા શોર્ટ્સ એવા સામાન્ય વિષયો અને ટ્રેન્ડિંગ વિષયો પર બનાવવામાં આવ્યા હતા કે, તે લોકો સાથે સંબંધિત હતા. જેના કારણે તે વાયરલ થતા ગયા. મારી બહેન (પ્રિયલ કુકરેજા) મારી સાથે વીડિયો પર વોઈસ ઓવર કરે છે અને હું તેના પર એક્ટ કરું છું.

'અમે અમેરિકા વિરુદ્ધ ભારત વિષયથી શરૂઆત કરી હતી. ભારતના લોકોને તે ખૂબ ગમ્યું. ઉદાહરણ તરીકે, અમે એવી ટેક્નોલોજી પર વિડિયો બનાવ્યો છે, જે અમેરિકામાં તો ઉપલબ્ધ છે પણ ભારતીય પાસે નથી. આવી સ્થિતિમાં, ભારતીયો જુગાડ સાથે તેમનું કામ કેવી રીતે કરે છે તેના વિશે વિડિઓ બનાવ્યો.

દુષ્યંત મૂળભૂત રીતે હરિયાણાના હિસારનો રહેવાસી છે. તેણે ચંદીગઢ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે આ જ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી પણ મેળવી છે. દુષ્યંતે કહ્યું, અમે કોલેજના દિવસોથી જ કન્ટેન્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. પ્રતિબંધ લાગ્યા પહેલા, ટિકટોક પર અમારા પણ લગભગ 23 લાખ ફોલોઅર્સ હતા. વર્ષ 2020ના કોવિડ લોકડાઉન પછી, અમે YouTube પર સક્રિય રીતે કામ કરવાનું શરૂ કર્યું.

દુષ્યંતે જણાવ્યું કે, તેની માતા શિક્ષક છે અને પિતા બેંકર છે. તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે એન્જિનિયર બને. તેણે કહ્યું, હું અભ્યાસમાં પણ સારો હતો. દસમામાં 90 ટકા માર્ક્સ હતા. પરંતુ પછીથી મને લાગ્યું કે હું IIT ક્રેક કરી શકતો નથી, તેથી મેં કોમર્સ સ્ટ્રીમમાંથી 12મું ધોરણ પાસ કર્યું. તેમાં મને 87 ટકા માર્ક્સ મળ્યા છે. પછી ગ્રેજ્યુએશન દરમિયાન જ મેં ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

દુષ્યંતે કહ્યું કે, તેને એક મિનિટથી પણ ઓછા સમયના શોર્ટ્સ બનાવવામાં લગભગ 2 થી 3 કલાકનો સમય લાગે છે. તેણે કહ્યું, મહેનત દિમાગ લગાવવાની જ છે. સ્ક્રિપ્ટ પર ઘણું કામ કરવું પડતું હોય છે. વિષય વિશે વિચારવામાં અમને 2 થી 3 કલાક લાગી જાય છે. વીડિયો બનાવવામાં માત્ર 15 થી 20 મિનિટનો સમય લાગે છે.

દુષ્યંતનું કહેવું છે કે તેણે યુટ્યૂબથી શીખીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે ઘણી ફિલ્મો જુએ છે અને તેમાંથી ઘણું શીખે છે. દુષ્યંતે કહ્યું કે, તે ફુલ ટાઈમ એક્ટિંગ કરવા માંગે છે. તે યુટ્યૂબ દ્વારા જ બધું મેળવવા માંગે છે. દુષ્યંતે જણાવ્યું કે, તેણે યુટ્યૂબથી એક મહિનામાં સૌથી વધુ 4 લાખ રૂપિયાની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp