અભિનેત્રીમાંથી રાજનીતિમાં આવેલા ભાજપ નેતા જયા પ્રદાને 6 મહિનાની જેલની સજા

PC: republicworld.com

પોતાના થિયેટરના કર્મચારીઓને 11 વર્ષથી  ESIની રકમ નહીં ચૂકવનાર ફિલ્મ અભિનેત્રી અને રાજનેતા જયા પ્રદાને કોર્ટે કાન આમળ્યા છે અને 6 મહિનાની જેલની સજા કરી છે. કોર્ટે કહ્યું કર્મચારીઓના પૈસા ચૂકવવા પડશે.

અભિનેત્રીમાં થી રાજકારણમાં આવેલા અને એક જમાનામાં હિંદી અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રભાવ ધરાવતા જયા પ્રદાને ચેન્નઇની કોર્ટે એક જૂના કેસમાં 6 મહિનાની સજા અને 5,000 રૂપિયાનો દંડ કર્યો છે. પોતાના થિયેટરના કર્મચારીઓના ESIના 11 વર્ષ સુધી પૈસા જમા કરાવ્યા નહોતા. કોર્ટે અભિનેત્રી અને તેના ભાઇ બંનેને 6 મહિનાની સજા કરી છે.

જયા પ્રદા અને તેમના ભાઇ રાજ બાબુ સિને થિયેટરના પાર્ટનર છે. તમિલનાડુની એગ્મોરની બીજી મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ અદાલતે બંનેને ESIની ચૂકવણી નહીં કરવા બદલ 6 મહિનાની જેલનો ચુકાદો સંભળાવ્યો છે અને સાથે 5,000 રૂપિયાનો દંડ કર્યો છે.

એમ્પલોયી સ્ટેટ ઇન્શ્યોરન્સ (ESI)એ 5 ઓગસ્ટ 2004માં જયા પ્રદા અને તેના ભાઇ રાજબાબુ સામે ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નવેમ્બર 1991થી સપ્ટેમ્બર 2002 સુધીના સમયગાળામાં જયા પ્રદાના સિને થિયેટરે કર્મચારીઓની 11 વર્ષની 8, 17, 794 રૂપિયાની રકમની ચૂકવણી કરી નથી. ESI એ કહ્યું કે આરોપીએ કર્મચારી રાજ્ય વીમા અધિનિયમની કલમ 85(a) હેઠળ યોગદાનની ચુકવણી ન કરવાનો ગુનો કર્યો છે, જે કાયદાની કલમ 85(i)(b) હેઠળ સજાપાત્ર છે.

કોર્ટે જયા પ્રદા અને રાજ બાબુને દોષિત કરાર કરીને 6 મહિનાની સજા સંભળાવી અને સાથે કહ્યું છે કે કર્મચારીઓની 8, 17,794 રૂપિયાની રકમ ચૂકવવી પડશે.

જયા પ્રદાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જમાનો હતો ખાસ કરીને 1980થી 1990ના દાયકામાં તેમનો સૂરજ આસમાને હતો, જયા પ્રદાને તેલુગુ અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પ્રભાવશાળી અભિનેત્રી માનવામાં આવતી હતી.જયાએ 1979માં ‘સરગમ’ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. એ પછી તેમણે કામચોર, શરાબી, ત્હોફા, સંજોગ, આખરી રાસ્તા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી 1994માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેલુગ દેશમ પાર્ટી( TDP)  સાથે જયા પ્રદા જોડાયા હતા. તેઓ રાજ્યસભા સાંસદ અને તે પછી લોકસભા સાંસદ પણ બન્યા હતા.જયા પ્રદા એ પછી ખાસ્સો સમય સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. 2019માં તેમણે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી.

જયા પ્રદાના સાઉથના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટા સાથે લગ્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp