'દીકરીના હૃદયમાં હતા બે કાણાં, 3 મહિનાની દેવી...' બિપાશા બોલતી-બોલતી રડી પડી

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે 12 નવેમ્બર, 2022ના રોજ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. દંપતીએ તેનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું, અને તેના નામની જાહેરાત કરવા માટે એક પોસ્ટ પણ શેર કરી. જો કે, જ્યારે દેવીનો જન્મ થયો ત્યારે તે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (VSD)થી પીડાતી હતી. ઇન્સ્ટાગ્રામ લાઇવ પર અભિનેત્રી નેહા ધૂપિયા સાથેની તાજેતરની વાતચીત દરમિયાન, બિપાશાએ જ્યારે ખુલાસો કર્યો કે તેની પુત્રીના હૃદયમાં બે છિદ્રો હતા અને તે લગભગ ત્રણ મહિનાની હતી ત્યારે તેની સર્જરી કરાવી હતી, ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી.
પોતાની જર્ની વિશે વાત કરતા બિપાશા બાસુએ કહ્યું, 'અમારી સફર કોઈપણ સામાન્ય માતા-પિતા કરતા ઘણી અલગ રહી છે, અત્યારે મારા ચહેરા પર જે સ્મિત છે, તેના કરતાં એ સમય વધુ મુશ્કેલ હતો. હું નથી ઈચ્છતી કે, કોઈ પણ મા સાથે આવું થાય. ખાસ કરીને નવી બનેલી મમ્મી માટે, જ્યારે તમને એ ખબર પડે છે, ત્યારે તે સૌથી મુશ્કેલ છે. મને મારા બાળકના જન્મ પછી ત્રીજા દિવસે ખબર પડી કે, અમારી દીકરીના હૃદયમાં બે કાણાં છે. મેં વિચાર્યું હતું કે, હું આ શેર નહીં કરું, પરંતુ હું આ શેર કરી રહી છું કારણ કે, મને લાગે છે કે, એવી ઘણી માતાઓ છે જેમણે મને આમાં મદદ કરી, અને તે માતાઓને શોધવાનું ખૂબ મુશ્કેલ હતું.'
તેણે આગળ કહ્યું, 'અમે એ પણ સમજી શક્યા નથી કે VSD શું છે. આ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ છે. અમે શું કરવું અને શું ન કરવું એવા સમયમાંથી પસાર થયા. અમે અમારા પરિવાર સાથે આ અંગે ચર્ચા કરી ન હતી, અમે બંને થોડા ડરેલા હતા. કરણ અને હું હેબતાઈ ગયા હતા. શરૂઆતના પાંચ મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. પરંતુ દેવી પહેલા દિવસથી જ સારી રહી છે. અમને કહેવામાં આવ્યું હતું કે, દર મહિને અમારે એ જાણવા માટે સ્કેન કરવાની જરૂર છે કે, તે તેની જાતે સારું થઈ રહ્યું છે કે નહીં. પરંતુ તે જે પ્રકારનું મોટું છિદ્ર હતું, અમને કહેવામાં આવ્યું હતું કે, તે જોખમી છે, તમારે સર્જરી કરવી પડશે. અને જ્યારે બાળક ત્રણ મહિનાનું થાય ત્યારે સર્જરી કરવી સારી રહેશે.
બિપાશાએ રડતા રડતા આગળ કહ્યું, 'તમે એટલા દુઃખી, એટલા ભારે બોજ જેવું અનુભવો છો, કારણ કે તમે એક બાળકને ઓપન હાર્ટ સર્જરીમાં કેવી રીતે મૂકી શકો છો? અમે મનમાં ને મનમાં વિચારતા હતા કે, તે આપોઆપ સારું થવા લાગશે. પહેલા મહિનામાં એવું ન થયું, બીજા મહિનામાં એવું ન થયું. અને મને ત્રીજો મહિનો યાદ છે, જ્યારે અમે સ્કેન કરવા ગયા, સર્જનોને મળ્યા, હોસ્પિટલોમાં ગયા, ડૉક્ટરો સાથે વાત કરી અને હું તૈયાર હતી, પણ કરણ નહોતો. હું જાણતી હતી કે તેને ઠીક થવું જ પડશે અને મને ખબર હતી કે તે ઠીક થઇ જશે, અને તે અત્યારે ઠીક છે. પરંતુ મુશ્કેલી એ હતી કે, મારા બાળકને યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે ઓપરેશન કેવી રીતે કરાવવું.'
બિપાશાએ કહ્યું કે, દેવી ત્રણ મહિનાની હતી ત્યારે સર્જરી કરવામાં આવી હતી અને ઓપરેશન છ કલાક સુધી ચાલ્યું હતું. તેણે કહ્યું કે, જ્યારે દેવી ઓપરેશન થિયેટરની અંદર હતી ત્યારે તેનું જીવન થંભી ગયું હતું. બિપાશાએ કહ્યું કે, તે ચિંતામાં હતી અને સર્જરી સફળ થતાં તેણે રાહત અનુભવી હતી, દેવી હવે ઠીક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp