દલીપ તાહિલને 2 મહિનાની જેલ, 5 વર્ષ પહેલાના નશામાં ડ્રાઇવિંગ કેસમાં મળી સજા

PC: grandnews.in

શાહરૂખ ખાનની 'બાઝીગર'ના કો-સ્ટાર દલીપ તાહિલની મુશ્કેલીઓ વધી ગઈ છે. અભિનેતાને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ખરેખર, વર્ષ 2018માં દલીપ હિટ એન્ડ રન કેસમાં ફસાઈ ગયો હતો. પાંચ વર્ષ પછી, આ કેસની કોર્ટમાં સુનાવણી થઈ અને અભિનેતાને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. દલીપ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે એક ઓટોરિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. તે રિક્ષામાં એક મહિલા બેઠી હતી, જે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ કિસ્સો મુંબઈના ખારમાં બન્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે નશામાં ડ્રાઇવિંગ કેસમાં દલીપને 2 મહિનાની કેદની સજા ફટકારી છે.

આ કેસમાં આપવામાં આવેલી સજા અંગે નિવેદન આપતાં દલીપે કહ્યું, હું જજનું સન્માન કરું છું. મેજિસ્ટ્રેટ કોર્ટમાં લેવાયેલા નિર્ણયને હું સ્વીકારું છું. પરંતુ અમે સમગ્ર નિર્ણયને પડકારવા જઈ રહ્યા છીએ, હું આ અંગે હાઈકોર્ટમાં અપીલ કરીશ. આ કેસને સસ્પેન્ડ કરી શકાયો હોત, પરંતુ કરવામાં ન આવ્યો. અને વધુ મહત્ત્વની વાત એ છે કે, હું કહેવા માંગુ છું કે, આ અકસ્માતમાં મહિલાને ખૂબ જ મામૂલી નાની-મોટી ઈજાઓ થઈ હતી. મેં કોઈને ઇજા નથી પહોંચાડી.

અહીં તમને જણાવી દઈએ કે, દલીપ તાહિલને 2 મહિનાની જેલની સજા ઉપરાંત 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 2018ના નશામાં ડ્રાઇવિંગ કેસમાં કોર્ટે ઇજાગ્રસ્ત મહિલાને 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. દલીપે કહ્યું, જો મેં કોઈને ઘણી વધારે ઇજા પહોંચાડી હોય તો હું તેના માટે માફી માંગવા તૈયાર છું. પરંતુ મહિલાને ગંભીર ઈજા થઈ ન હતી. આ એક જૂનો મામલો છે અને મારે તેમાં વધુ કંઈ કહેવાનું નથી. હું કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું, પરંતુ હું આ કેસને હાઈકોર્ટમાં લઈ જઈશ.

આ મામલે ડોક્ટરના રિપોર્ટ પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ડૉક્ટરના પુરાવા પર આધાર રાખીને કે જેમાં દારુની ગંધનો ઉલ્લેખ હતો, અભિનેતા યોગ્ય રીતે ચાલવામાં અસમર્થ હતો, તેની આંખની કીકીઓ ફેલાઈ ગઈ હતી અને યોગ્ય રીતે બોલી પણ શકતો ન હતો. મેજિસ્ટ્રેટની અદાલતે દલીપ તાહિલને દોષિત ઠેરાવ્યો અને તેને બે મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, દલીપ તાહિલ શાહરૂખ ખાનની ફિલ્મ 'બાઝીગર'માં મદન ચોપરાના રોલ માટે ઘણા જાણીતા છે. થોડા વર્ષો પહેલા તે વેબ સિરીઝ અને ફિલ્મ 'મિશન મંગલ', 'ધ ફેમિલી મેન', 'ગિલ્ટી' અને 'મેડ ઇન હેવન'માં જોવા મળ્યો હતો. અભિનેતા ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને દર્શકોનો પ્રિય પણ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp