- Entertainment
- સાઉથ ફેમસ ડિરેક્ટર વિશ્વનાથનું નિધન, 43 વર્ષ પહેલા આજના દિવસે ફિલ્મ રીલિઝ થયેલી
સાઉથ ફેમસ ડિરેક્ટર વિશ્વનાથનું નિધન, 43 વર્ષ પહેલા આજના દિવસે ફિલ્મ રીલિઝ થયેલી
સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દક્ષિણના દિગ્ગજ અભિનેતા K વિશ્વનાથના નિધનના દુઃખદ સમાચારથી સમગ્ર ભારત સફાળું બેઠું થઇ ગયું. 2 ફેબ્રુઆરી, ગુરુવારે મોડી રાત્રે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. PM નરેન્દ્ર મોદીથી લઈને મેગાસ્ટાર ચિરંજીવી અને જુનિયર NTR સુધી, સેલિબ્રિટીઓ અને રાજકારણીઓએ આ પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. પરંતુ, શું તમે જાણો છો કે, K વિશ્વનાથનું અવસાન એ જ દિવસે થયું, જ્યારે તેની સૌથી પ્રખ્યાત ફિલ્મ 'શંકરભરણમ' રિલીઝ થઈ હતી.
K વિશ્વનાથ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 2 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું અને તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, જે દિવસે K વિશ્વનાથનું અવસાન થયું, તે દિવસ દરેકના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ એ જ દિવસ છે, જ્યારે તેની બહુચર્ચિત ફિલ્મ 'શંકરભરણમ' રિલીઝ થઈ હતી. 2 ફેબ્રુઆરી, 1980ના રોજ, તેમની ફિલ્મ 'શંકરભરણમ' થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

શરૂઆતમાં થિયેટર લગભગ ખાલી હતા. જો કે, પ્રથમ સપ્તાહના અંત સુધીમાં, ચાહકો થિયેટરોમાં ઉમટવાનું શરૂ કર્યું. આખરે 'શંકરભરણમ'એ ઘણી જગ્યાએ સિલ્વર જ્યુબિલી ઉજવી. હકીકતમાં આ ફિલ્મ કર્ણાટક અને કેરળના સિનેમાઘરોમાં એક વર્ષથી વધારે સમય સુધી ચાલી હતી. K વિશ્વનાથને દાદાસાહેબ ફાળકે અને પદ્મશ્રી જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
'શંકરભરણમ' એ K વિશ્વનાથ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત એક સંગીતમય નાટક છે. આ ફિલ્મમાં JV સોમયાજુલુ, મંજુ ભાર્ગવી, ચંદ્ર મોહન અને રાજ્યલક્ષ્મીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે શાસ્ત્રીય અને પશ્ચિમી સંગીતના પાસાઓને બે અલગ-અલગ પેઢીના લોકોની નજર દ્વારા અન્વેષણ કર્યું હતું.

આ ફિલ્મે વિવેચકોની પ્રશંસા અને વ્યાવસાયિક સફળતા પણ મેળવી હતી. 1981માં આ ફિલ્મે ફ્રાન્સમાં બેસનકોન ફિલ્મ ફેસ્ટિવલમાં પબ્લિક પ્રાઈઝ જીત્યું હતું. J.V. સોમયાજુલુના અભિનયને ફોર્બ્સના ભારતીય સિનેમાના 25 શ્રેષ્ઠ અભિનય પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 'શંકરભરણમ'ને 8મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા, તાશ્કંદ ફિલ્મ ફેસ્ટિવલ, એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ, મોસ્કો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને AISFM ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.

