400 કરોડ કમાયા તો કાશ્મીરી પંડિતોને કેટલા આપ્યા?: આશા પારેખનો વિવેકને સવાલ

ગયા વર્ષે ભારતના સૌથી મોટો ફિલ્મ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે’ની જેમને નવાજેશ કરવામા આવી હતી તેવા બોલિવુડના એક જમાનાના જાજારમાન અભિનેત્રી આશા પારેખે ધ કાશ્મીર ફાઇલના મેકર્સને સવાલ પુછીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આશા પારેખે આરોપ લગાવ્યો હતો કે પ્રોડ્યુસર્સ ધ કાશ્મીર ફાઇલ્સમાંથી કરોડો રૂપિયા કમાયા, પણ જેમના પર ફિલ્મ બની હતી તેવા કાશ્મીરી પંડિતોને કશું આપ્યું નથી.
ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જાજારમાન અભિનેત્રી આશા પારેખને પુછવામાં આવ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોને લઇને ઘણા વિવાદ થયા, એ વિશે તમે શું વિચારી રહ્યા છો? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યુ હતું કે, મે ફિલ્મ જોઇ નથી તો પછી વિવાદ વિશે કેવી રીતે વાત કરી શકું.તેમને બીજો સવાલ પુછાયો કે શું આવી ફિલ્મો બનવી અને જોવાવી જોઇએ? પારેખે કહ્યું કે, જો લોકોને પસંદ હોય તો જોવી જોઇએ.
જ્યારે આશાને સવાલ પુછાયો કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હિટ પણ થઇ અને લોકોએ જોરશોરથી જોઇ પણ ખરી જેની પર પારેખે તીખી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, અભિનેત્રીએ કહ્યુ કે, અહીં વિવાદાસ્પદ નિવેદન આપવા માંગુ છું. ફિલ્મ પ્રોડ્યુસરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માંથી 400 કરોડ રૂપિયાની કમાણી કરી, તો જે હિંદુ કાશ્મીરી છે અને જમ્મૂ-કાશ્મીરમાં રહે છે અને જેમની પાસે પાણી, વિજળી નથી, તેમને કેટલાં રૂપિયા આપવામાં આવ્યા?
આના પર, ફિલ્મના નિર્માતાને ટાંકીને એક વાત કહેવામાં આવી હતી, જેનો ભાવાર્થ એ હતો કે જે પ્રોડ્યુસર ફિલ્મ બનાવે છે તેને કમાયેલા બધા પૈસા મળતા નથી.
જેની પર આશા પારેખે કહ્યુ કે, ઓકે, માની લીધું કે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરનો એક શેર હશે અને પ્રોડ્યુસરનો પણ શેર હશે. માની લો કે, પ્રોડ્યુસરને 200 કરોડની કમાણી કરી છે, તો તેઓ એટલીસ્ટ, 50 કરોડ રૂપિયા તો કાશ્મીરી પંડિતોને આપી શકતે ને.
ચાર દાયકાથી વધુ સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવનાર આશા પારેખ તેના સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતી છે. CBFCના ભૂતપૂર્વ અધ્યક્ષ આશા પારેખે આ વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'માં દીપિકાના ડ્રેસના રંગને લઈને થયેલા વિવાદ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બોલિવૂડને આ રીતે નિશાન બનાવવું ખોટું છે જો દરેક ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવશે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું શું થશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp