26th January selfie contest

કંગનાએ 'પઠાણ'ના કર્યા વખાણ, પણ સાથે બોલી- 80% હિન્દૂ છતા ફિલ્મનું નામ પઠાણ, તે..

PC: indiatoday.in

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણે' રીલિઝ થતા જ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. પ્રજાસત્તાક દિવસે સિનેમાઘરોમાં ફરીથી એક વખત રોનક પાછી આવેલી જોવા મળી છે. 'પઠાણે' ભારતમાં તો જબરજસ્ત ઓપનિંગ કર્યું જ છે પરંતુ સાથે દુનિયાભરના થિયેટરોમાં પણ ફિલ્મને જોવા તેના ફેન્સ આવી રહ્યા છે. આ વચ્ચે એક્ટ્રેસ કંગના રણૌતે શાહરુખની આ કમબેક ફિલ્મના વખાણ કર્યા છે.

કંગના રણૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે જેઓ પઠાણને નફરત પર જીતનો દાવો બતાવી રહ્યા છે તેમની સાથે હું સહમત છું, પરંતુ કોના પ્રેમ પર નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા, આ ભારતનો પ્રેમ છે, જ્યાં 80 ટકા હિંદુઓ વસે છે અને છતાં ફિલ્મનું નામ પઠાણ છે, જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારા દર્શાવવામાં આવ્યા છે, તે ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ભારતની ભાવના છે. કોઈપણ દ્વેષ કે નિર્ણય વિના, તે જ દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નફરત અને મામૂલી રાજનીતિ પર જીત મેળવી છે.

કંગના રણૌતે થોડા દિવસો પહેલા જ પોતાની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'ના શૂટિંગને પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સતીશ કૌશિક અને અનુપમ ખૈર કામ કરી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મની રેપ પાર્ટી પણ આયોજિત થઈ હતી. આ પાર્ટી દરમિયાન કંગના રણૌતે કહ્યું કે તે ઈચ્છે છે કે 'પઠાણ' ફિલ્મ સારી રીતે ચાલે. સાથે જ તેણે આ એક્શન ફિલ્મના વખાણ પણ કર્યા હતા. પાર્ટીમાં કંગનાએ કહ્યું હતું કે, પઠાણ સારું કરી રહી છે. આવી ફિલ્મો ચાલવી જોઈએ અને મને લાગે છે કે જે આપણા હિન્દી સિનેમાવાળા પાછળ રહી ગયા છે, તેને આગળ લાવવા દરેક વ્યક્તિ પોતાના લેવલ પર પૂરતી કોશિશ કરી રહ્યું છે.

એક્ટર અનુપમ ખેરે આ પ્રસંગે કહ્યું હતું કે, 'પઠાણ' ફિલ્મ ઘણી મોટી છે, જેને મોટા બજેટ સાથે બનાવવામાં આવી છે. 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ રીલિઝના થોડા દિવસો પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. એડવાન્સ બુકિંગમાં જ ફિલ્મે 15 કરોડથી પણ વધારેની કમાણી કરી દીધી હતી. હવે 'પઠાણે' સિનેમાઘરોમાં રીલિઝ થઈને તેમાં જાન ફૂંકી દીધી છે. દેશભરના 25 સિંગલ સ્ક્રીન થિયટરોને તેના કારણે પાછા ખોલવામાં આવ્યા છે. ફિલ્મનું સ્વાગત ફેન્સે ધમાકેદાર રીતે કર્યું છે.

રિપોર્ટ પ્રમાણે, પહેલા જ દિવસે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણે' 54 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. જ્યારે દુનિયાભરના બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 100 કરોડથી વધારાની કમાણી કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે 'પઠાણ' પોતાના પહેલા વીકેન્ડ પર 200 કરોડ રૂપિયાનું કલેક્શન સરળતાથી પાર કરી લેશે.

શાહરુખના ફેન્સ તેને ફિલ્મમાં જોઈને ઘણા ખુશ છે. 'પઠાણ'નું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જોવા મળે છે. સાથે જ ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. સલમાન ખાને ફિલ્મમાં કેમિયો રોલ કર્યો છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp