KBCમાં 50 લાખ જીત્યા પછી નોકરી છોડી શુભમ ગંગરાડે કરશે આ કામ

PC: filmibeat.com

સોની ટેલિવિઝનના રિઆલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ સીઝન 15ના લેટેસ્ટ એપિસોડમાં તમે જોયું હશે કે મધ્ય પ્રદેશના ઈંદોર સ્થિત સ્પર્ધક સુભમ ગંગરાડે 1 કરોડ રૂપિયા જીતી શક્યો નહીં. પણ તેણે 50 લાખ રૂપિયા પોતાના નામે કરી લીધા છે. નબળી આર્થિક સ્થિતિને કારણે શુભમે નાની ઉંમરે જ અભ્યાસથી થોડા સમયનો બ્રેક લીધો હતો અને તેણે ટેલિકોમ કંપનીમાં નોકરી કરી હતી. જોકે, હવે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા પછી તે પોતાની નોકરીમાંથી બ્રેક લઇ ફરી અભ્યાસ શરૂ કરવા માગે છે. તેણે નોકરી છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

કેબીસીની 15મી સીઝનમાં 50 લાખ રૂપિયા જીતનાર શુભમે કહ્યું કે, થોડા સમય માટે અભ્યાસમાંથી બ્રેક લીધા પછી મેં નોકરીની સાથે ફરી ભણતર શરૂ કરી દીધું હતું. પણ નોકરી અને અભ્યાસ બંને એકસાથે મેનેજ કરવું મારા માટે અઘરું બની ગયું હતું. હવે કેબીસીમાંથી એક સારી રકમ જીત્યા પછી, હું મારી નોકરીમાંથી બ્રેક લઇને અભ્યાસ પર ધ્યાન આપીશ. મારે MPSCની પરીક્ષા આપવી છે, કારણ કે હું ડેપ્યુટી કલેક્ટર બનવા માગું છું. જણાવીએ કે, શુભમ પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સરળ નહોતી કરોડપતિ બનવાની સફર

કેબીસીથી 50 લાખ રૂપિયા જીતનારા શુભમ ગંગરાડે માટે આ સફર જરા પણ સરળ રહી નહોતી. પોતાના સપનાને હાંસલ કરવા માટે તેણે કડી મહેનત કરી. સવારે 5.30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી તે કાર ધોતો હતો અને પછી ટેલીકોમ કંપનીમાં કામ કરતો હતો. અમિતાભ બચ્ચન પણ શુભમની જર્ની જોઇ ભાવુક થયા હતા. બચ્ચને સવાલ-જવાબ દરમિયાન શુભમને પૂછ્યું હતું કે, તેને ઘર લેવા માટે કેટલા રૂપિયા જોઇએ છે. આ સવાલનો જવાબ આપતા શુભમે કહ્યું કે, જે ઘર તેણે જોયું છે તે 25 લાખ રૂપિયાનું છે.

શુભમની સફળતાથી ખુશ બચ્ચન

જ્યારે શુભમે કેબીસીમાં 50 લાખ રૂપિયા જીત્યા, તો તેની સાથે જ અમિતાભ બચ્ચન પણ ખૂબ ખુશ જોવા મળ્યા. ઊભા થઇને અમિતાભ બચ્ચને શુભમ માટે તાળી વગાડી તેનું અભિવાદન કર્યું. સાથે જ શુભમને કહ્યું કે, હવે તે એક નહીં પણ બે-બે ઘર લઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp