5 વર્ષના સંબંધનો અંત, કિંજલ દવેની પવન સાથે સગાઈ તૂટી, જાણો શું છે કારણ
ગુજરાતની જાણીતી અને લોકપ્રિય સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે. દેખાવમાં સુંદર એવી કિંજલનો અવાજ પણ ખૂબ જ સુરીલો છે. ત્યારે હાલ કિંજલ દવેની આશરે પાંચ વર્ષ અગાઉ પવન જોષી સાથે થયેલી સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરે સમગ્ર ગુજરાતમાં 'ચાર-ચાર બંગડીવાળી' ગીત ગાઈને પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની સગાઈ 18 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ મૂહુર્તમાં લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે થઈ હતી. પરંતુ હવે અચાનક તેમની સગાઇ તૂટી ગઈ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ, કિંજલ દવે તેમજ તેના ભાઇ આકાશની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઈ આકાશની સગાઈ કિંજલના મંગેતર પવન જોષીની બહેન સાથે કરાઇ હતી. જો કે, રિપોર્ટ મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા હાલ કિંજલ દવેની સગાઇ પણ તૂટી ગઇ છે.
વાત કરીએ સાટા પદ્ધતિની તો આ પદ્ધતિ મુજબ એક જ પરિવારનો છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે તેને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. જો કે, હાલના આ સમયમાં પણ હજુ કેટલાંક સમાજમાં આ પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. ત્યારે આ પદ્ધતિ હેઠળ સબંધો બાંધ્યા બાદ જો એકના લગ્નજીવનમાં પણ ભંગાણ પડે છે તો એ જ ક્ષણે બીજાના લગ્ન પણ તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી હોય તો પણ આ સંબંધો તૂટી જાય છે. આ રિવાજ હેઠળ જ્યારે સબંધો તૂટે છે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.
અહીં તમને જણાવી દઇએ કે, 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં કિંજલનો જન્મ થયો હતો. કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હોવાને કારણે તે જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી હતી. લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે કિંજલ દવેની સગાઇ કરવામાં આવી હતી. જે સગાઈ હવે તૂટી જતા વાયુવેગે આ સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા છે. જો કે, કિંજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ સગાઇ તૂટી જતા હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાત કરીએ જેની સાથે કિંજલ દવેની સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષીની, તો પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે તેમજ અમદાવાદમાં જ બિઝનેસ કરે છે. તેને મોડેલિંગ ફોટોનો ખૂબ જ શોખ છે. પોતાની સગાઈના દિવસે પવન જોધપુરીમાં સજ્જ થયો હતો જ્યારે કિંજલે ચણિયાચોળી પહેરી હતી. પવને કિંજલ દવેનો એક વીડિયો પણ સગાઈ થયા બાદ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ પણ થયો હતો. જો કે, આ રીતે અચાનક કિંજલની સગાઇ તૂટી જવાના સમાચાર સામે આવતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp