VFX માટે 'આદિપુરુષ' જોવા જતા હોવ તો પહેલા વાંચી લો આ રિવ્યૂ
રાઘવે મને પામવા માટે શિવ ધનુષ તોડ્યું હતું, હવે તેમણે રાવણનું અભિમાન પણ તોડવું પડશે. રામ ભક્ત હનુમાનની સામે જાનકી દ્વારા કહેવામાં આવેલો આ ડાયલોગ જ આદિપુરુષની સ્ટોરીની સેન્ટ્રલ થીમ છે. નાનપણથી આપણે રામાયણ અને રામલીલાઓમાં રાઘવ દ્વારા અન્યાય પર ન્યાયની જીતવાળી આ મહાન ગાથાને જોતા-સાંભળતા અને વાંચતા આવ્યા છીએ. તાનાજી માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચુકેલા ઓમ રાઉતે આજની જનરેશન માટે આ મહાકાવ્યને ભવ્ય સ્કેલ પર મોટા પડદા પર સાકાર કર્યું છે પરંતુ, તેઓ એ સમજવામાં થાપ ખાઈ ગયા કે દાયકાઓથી આપણે જે રામાયણને જોવા-સાંભળવાના આદિ છીએ, તેની એક ખૂબ જ મજબૂત છબિ આપણા દિલોમાં વસે છે. એવામાં તે છબિ સાથે એક્સપરિમેન્ટ્સમાં સાવધાની રાખવાની જરૂર છે અને અહીં જ તેમની ભૂલ છે.
આદિપુરુષના ફર્સ્ટ લુકે ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તેમા ઘણા બદલાવ કરવામાં આવ્યા. પરંતુ, મૂળ વાત જેમની તેમ જ રહી ગઈ. તેમા કોઈ બે મત નથી કે VFXના મામલામાં ફિલ્મ એક વિઝ્યુઅલ ટ્રીટ સાબિત થઈ છે પરંતુ, CJIની ખામીઓ રહી ગઈ છે. 2Dમાં VFX અને CJIનું કામ પ્રભાવશાળી નથી. જ્યારે 3Dમાં તે દમદાર છે. સૌથી મોટી પ્રોબ્લેમ આવે છે, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સમાં. મનોજ મુંતશિરના લખેલા ડાયલોગ્સ જ્યાં રાઘવ અને રાવણના ચરિત્ર સમૃદ્ધ હિંદી, જેમકે- જાનકી મેં મેરે પ્રાણ બસતે હૈ ઔર મર્યાદા મુજે અપને પ્રાણો સે ભી પ્યારી હૈ, બોલતા દેખાય છે, ત્યાં બીજી તરફ, બજરંગ (દેવદત્ત) અને ઇન્દ્રજીત (વત્સલ સેઠ) તેરે બાપ કી જલેગી, બુઆ કા બગીચા સમજા હૈ ક્યા? જેવા સંવાદ બોલીને હાંસીને પાત્ર બની જાય છે.
ડિરેક્ટર ઓમ રાઉતે તેને મોડર્ન લુક આપવા માટે રાવણની લંકાને ગ્રેઇશ મહેલ લુક આપ્યો છે, જે રાવણની સોનાની ચમકતી લંકાથી વિપરીત હેરી પોટર અથવા ગેમ ઓફ થ્રોન્સના કિલ્લા જેવો દેખાય છે. ફિલ્મનો સેકન્ડ હાફ VFXથી સજેલા રામ-રાવણના યુદ્ધમાં સમટાઈને રહી જાય છે. આથી ફિલ્મ ખૂબ જ લાંબી લાગે છે. ઇન્ટરવલ પહેલાની સ્ટોરી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે સારી લાગે છે. ડાયરેક્ટરે અહલ્યા, મેઘનાદ વધ જેવા રામાયણના ઘણા પ્રસંગો છોડી દીધા છે. બાલી અને સુગ્રીવને વાનરોનું વિશુદ્ધ રૂપ આપ્યું છે, તો રાવણના લુક, કોસ્ટ્યૂમ અને તેના શસ્ત્રોને વધુ પડતા જ મોડર્નાઇઝ કરી દીધા છે. રાવણને એક પિશાચ જેવા જીવની સવારી કરતા બતાવ્યા છે, તેના અસ્ત્ર-શસ્ત્ર ગેમ ઓફ થ્રોન્સની યાદ અપાવે છે. બેકગ્રાઉન્ડ સ્કોર દમદાર છે પરંતુ, ગીતોમાં એટલો દમ નથી.
એક્ટિંગના મામલામાં પ્રભાસે રાઘવને સંયમિત અને મર્યાદા પુરષોત્તમના રૂપમાં નિભાવ્યા છે. રાવણના રૂપમાં સૈફ અલી ખાન પરફેક્ટ લાગે છે પરંતુ, ડિજિટલ ટેક્નિકથી તેના કદને વધુ પડતા જ વિશાળકાય બતાવવામાં આવ્યા છે. જાનકીના રૂપમાં કૃતિ સેનન પરફેક્ટ લાગે છે. સુંદર લાગવાની સાથોસાથ એક્ટિંગ પણ દમદાર કરી છે પરંતુ, તેને એટલો સ્ક્રીન સ્પેસ નથી મળ્યો. લક્ષ્મણના રૂપમાં સની સિંહ એટલો દમદાર નથી લાગતો. બજરંગના રૂપમાં દેવદત્તે પોતાના ચરિત્ર સાથે ન્યાય કર્યો છે. ઇન્દ્રજીતની ભૂમિકામાં વત્સલ સેઠને સારો સ્ક્રીન સ્પેસ મળ્યો છે, જેને તેણે ખૂબ જ સુંદર રીતે નિભાવ્યો છે. મંદોદરીના રોલમાં સોનલ ચૌહાણ માત્ર બે સીનમાં દેખાય છે. રામાયણને મોડર્ન અવતારમાં જોવા ઇચ્છુક આ ફિલ્મ જોઈ શકે છે.
ફિલ્મઃ આદિપુરુષ
સ્ટાર કાસ્ટઃ પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ, સોનલ ચૌહાણ, દેવદત્ત નાગ, વત્સલ સેઠ
ડાયરેક્ટરઃ ઓમ રાઉત
ફિલ્મને મળેલા સ્ટાર્સ
નવભારત ટાઇમ્સઃ 2 સ્ટાર્સ
ઇન્ડિયા ટીવી ન્યૂઝઃ 1 સ્ટાર
NDTV: 1.5 સ્ટાર્સ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp