26th January selfie contest

નવાઝુદ્દીને ભાઈ-પત્ની વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો, લગાવ્યા આ આરોપ

PC: amarujala.com

ભાઈ અને પૂર્વ પત્નીના આરોપોથી કંટાળીને બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ આખરે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નવાઝુદ્દીને ભાઈ શમસુદ્દીન અને પૂર્વ પત્ની અંજના પાંડે પાસેથી 100 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે.

નવાઝુદ્દીનના વકીલ સુનીલ કુમારે જસ્ટિસ રિયાઝ છાગલાની બેંચ સમક્ષ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે 30 માર્ચે સુનાવણી થવાની છે. નવાઝુદ્દીને અરજીમાં કહ્યું છે કે તેના ભાઈ અને પૂર્વ પત્ની પર કાયમી રોક લગાવવી જોઈએ જેથી કરીને તેઓ કોઈ નિવેદન ન આપે જેનાથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે. આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી કોઈપણ સામગ્રી શેર કરવાનું બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમના પર લાગેલા તમામ આરોપો પાછા ખેંચવામાં આવે. નવાઝુદ્દીન સિદ્દીકીએ વિનંતી કરી છે કે, તેમને બદનામ કરવા બદલ બંનેએ લેખિતમાં માફી પણ માંગવી જોઈએ.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 2008માં જ્યારે તેના ભાઈ શમસુદ્દીને કહ્યું કે, તે બેરોજગાર છે. નવાઝુદ્દીને તેમને પોતાના મેનેજર તરીકે નિયુક્ત કર્યા. નવાઝુદ્દીને ઈન્કમ ટેક્સ રિટર્ન, ઓડિટિંગ, GST ફાઈલિંગ જેવા તમામ કામ શમસુદ્દીન પર છોડી દીધા અને પોતે ફિલ્મો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તેણે તેનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ATM, સહી કરેલી ચેકબુક, બેંક પાસવર્ડ, ઈમેલ એડ્રેસ આ તમામ તેના ભાઈને સોંપી દીધું હતું.

નવાઝુદ્દીને આરોપ લગાવ્યો કે, આ દરમિયાન તેના ભાઈએ અપ્રમાણિક અને ગેરરીતિ શરૂ કરી. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે તેમની પાસે પોતાના વ્યવહારને લઈને બેંક સાથે સંકલન કરવાનો સમય નહોતો. નવાઝુદ્દીનનું કહેવું છે કે, એકવાર તેના ભાઈએ કહ્યું કે, તે નવાઝના નામે પ્રોપર્ટી ખરીદી રહ્યો છે, જ્યારે હકીકતમાં આ પ્રોપર્ટી સંયુક્ત રીતે ખરીદી હતી.

આ પ્રોપર્ટીમાં યારી રોડ પરનો ફ્લેટ, સેમી કોમર્શિયલ પ્રોપર્ટી, બુઢાનાનું શાહપુર ખાતેનું ફાર્મહાઉસ અને દુબઈમાં એક પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

નવાઝુદ્દીને કહ્યું કે, જ્યારે તેણે ભાઈ શમસુદ્દીનને આ વિશે પૂછ્યું તો તેણે તેની પૂર્વ પત્નીને ઉશ્કેરવાનું શરૂ કર્યું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શમસુદ્દીને અંજનાને નવાઝ પર ખોટા અને અત્યંત અભદ્ર આરોપો લગાવવા માટે ઉશ્કેર્યા હતા.

સિદ્દીકીએ અરજીમાં જણાવ્યું હતું કે, અંજના તેની સાથે લગ્ન કરતા પહેલા પરિણીત હતી, પરંતુ તેણે પોતાને અપરિણીત જણાવીને મને છેતરી રાખ્યો હતો. પરંતુ જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે હું ચોંકી ગયો. નવાઝુદ્દીને તેના ભાઈ અને પૂર્વ પત્ની પર 21 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ લગાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે નવાઝના તેના ભાઈ સાથેના સંબંધો 2020માં બગડ્યા, ત્યારે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રાખ્યો અને પછી ખબર પડી કે, તેના પર વિવિધ વિભાગોના 37 કરોડ રૂપિયા બાકી છે, જે તેના ભાઈએ ચૂકવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp