પાકિસ્તાને પોતાની જે ફિલ્મ પર લગાવ્યો હતો બેન, ભારતમાં તે થવા જઈ રહી છે રીલિઝ

PC: maisonculturetournai.com

પાકિસ્તાન તરફથી ઓફિશિયલ ઈન્ડિયા એન્ટ્રી રહેલી ફિલ્મ ‘જોયલેન્ડ’ હવે ભારતમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ઈન્ડિયામાં ફિલ્મની ઓફિશિયલ રીલિઝ ડેટ શેર કરી છે. મેકર્સે પોતાની પોસ્ટમાં લખ્યું, દુનિયાભરની ઓડિયન્સ સાથે અમે ‘જોયલેન્ડ’ શેર કરવા માટે ખૂબ જ એક્સાઈટેડ છીએ. ફિલ્મના પોસ્ટરની સાથે મેકર્સે અલગ-અલગ દેશોમાં ફિલ્મની રીલિઝ ડેટ અનાઉન્સ કરી. ભારતમાં ‘જોયલેન્ડ’ 10 માર્ચે રીલિઝ થશે. ‘જોયલેન્ડ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પહેલી પાકિસ્તાની ફિલ્મ છે. કાન્સમાં સ્ક્રીનિંગના અંતમાં ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેને જ્યૂરી પ્રાઈઝ પણ આપવામાં આવ્યું. દુનિયાભરમાં ક્રિટિક્સે ‘જોયલેન્ડ’ને ખૂબ વખાણી અને આ વખાણને જોતા તેને પાકિસ્તાન તરફથી ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓફિશિયલ એન્ટ્રી બનાવવામાં આવી હતી.

ડાયરેક્ટર સેમ સાદિકની ફિલ્મ ‘જોયલેન્ડ’ને લઈને પાકિસ્તાનમાં ઘણો વિવાદ થયો હતો. 18 નવેમ્બરે ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થવાની હતી અને તેને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ પણ મળી ચુક્યુ હતું. પરંતુ, રીલિઝ પહેલા જ ઘણા સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ ફિલ્મને આપત્તિજનક અને દેશના નૈતિક અને સામાજિક આદર્શો વિરુદ્ધ ગણાવી તેનો વિરોધ શરૂ કરી દીધો. સરકારે ‘જોયલેન્ડ’ને લઈને મળેલી ફરિયાદોનો હવાલો આપતા તેની રીલિઝ પર બેન લગાવી દીધો હતો.

પરંતુ, સોશિયલ મીડિયા પર આ બેનની ખૂબ ટીકા થઈ. ડાયરેક્ટર સેમ સાદિકે પોતાની ફિલ્મ પર બેનને અસંવેધાનિક અને ગેરકાયદેસર ગણાવ્યું હતું. ફિલ્મની ટ્રાન્સજેન્ડર એક્ટર અલીના ખાને પોતાના નિવેદનમાં કહ્યું, ફિલ્મમાં કંઈ પણ ઈસ્લામ વિરુદ્ધ નથી અને મને નથી સમજાતું કે માત્ર ફિલ્મોથી ઈસ્લામ કઈ રીતે જોખમમાં આવી શકે છે. પાકિસ્તાની ફિલ્મ એક્ટર્સ અને જનતાની ટીકા બાદ, વડાપ્રધાન શાહબાઝ શરીફે ‘જોયલેન્ડ’ પર લાગેલા બેનને રિવ્યૂ કરવા માટે એક કમિટી બનાવી. આખરે ફિલ્મની નક્કી કરેલી રીલિઝ ડેટથી બે દિવસ પહેલા 16 નવેમ્બરે ફિલ્મના કેટલાક સીન સેન્સર કર્યા બાદ બેન હટાવી લેવામાં આવ્યો.

ક્રિટિક્સ તરફથી વખાણ મળ્યા અને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં પોતાની જગ્યા બનાવવા છતા ભારતમાં ‘જોયલેન્ડ’ની રીલિઝ પર જોખમ મંડરાઇ રહ્યું છે. 2016માં થયેલા ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાની આર્ટિસ્ટ્સના પોતાને ત્યાં કામ કરવા પર બેન લગાવી દીધો હતો. તેના જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય ફિલ્મો પર બેન લગાવ્યો પરંતુ, પાકિસ્તાની સિનેમા અને થિયેટર્સને થઈ રહેલા નુકસાનને જોતા ડિસેમ્બર 2016માં આ બેન હટાવી લેવામાં આવ્યો હતો. 2019માં જ્યારે ભારતે જમ્મૂ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યો તો પાકિસ્તાન તરફથી તેના જવાબમાં ઘણા પગલાં લેવામાં આવ્યા. તેમાંથી એક એ પણ હતું કે ભારતીય ફિલ્મો પર ફરી બેન લગાવી દેવામાં આવ્યો હતો. 

View this post on Instagram

A post shared by Joyland (@joylandmovie)

પાકિસ્તાની ફિલ્મો પર બેન છતા ડિસેમ્બર 2022માં એવા સમાચાર આવ્યા કે ફવાદ ખાન અને માહિરા ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૌલા જટ્ટ’ ભારતમાં રીલિઝ થશે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતા વધુ કમાણી કરનારી ‘મૌલા જટ્ટ’ પાકિસ્તાની સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ફિલ્મ છે. રિપોર્ટ્સ આવ્યા કે, 30 ડિસેમ્બરે ‘મૌલા જટ્ટ’ ભારતીય થિયેટર્સમાં રીલિઝ થશે. જોકે, રીલિઝ પહેલા એવા સમાચાર આવ્યા કે ભારતમાં ઘણા સંગઠનો દ્વારા આપત્તિ વ્યક્ત કરાયા બાદ ડિસ્ટ્રીબ્યૂટર્સે ‘મૌલા જટ્ટ’ રીલિઝ ના કરવાનો નિર્ણય લીધો.

હવે એ જોવુ રસપ્રદ રહેશે કે પાકિસ્તાન કલાકારો અને ફિલ્મો પર લાગેલા બેન બાદ ‘જોયલેન્ડ’ ભારતમાં થિયેટર્સ સુધી પહોંચી શકશે કે નહીં. જોકે, નવેમ્બર 2022માં ધર્મધાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ડિસેમ્બરમાં યોજાયેલા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જોયલેન્ડ’ બતાવવામાં આવી ચુકી છે. જો ‘જોયલેન્ડ’ ભારતમાં રીલિઝ થશે, તો એ છેલ્લાં એક દાયકામાં ભારતમાં રીલિઝ થયેલી પહેલી પાકિસ્તાની ફિલ્મ હશે. આ પહેલા ભારતીય થિયેટર્સમાં રીલિઝ થનારી છેલ્લી પાકિસ્તાની ફિલ્મ બોલ હતી, જેને 2011માં રીલિઝ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp