- Food
- આ રેસ્ટોરાંમાં મળે છે 22 કેરેટ ગોલ્ડનું વડાપાઉં, જાણો શું છે ભાવ, જુઓ વીડિયો
આ રેસ્ટોરાંમાં મળે છે 22 કેરેટ ગોલ્ડનું વડાપાઉં, જાણો શું છે ભાવ, જુઓ વીડિયો
ભૂખ લાગે એટલે મોટા ભાગે યુવાનો કે લોકોને વડાપાઉં ખાવાનું મન થાય છે. મુંબઈનું વડાપાઉં તો ખૂબ જ ફેમસ છે. સામાન્ય રીતે લોકોએ બટર, ચીઝ, ગ્રીલ અને સેઝવાન વડાપાઉં ખાધા હશે. પણ કોઈ આવીને એવું કહે કે મેં તો સોનાનું વડાપાઉં ખાધું છે તો શું તમને વિશ્વાસ આવશે ખરો. પણ આ હકીકત વાત છે કે સોનાનું વડાપાઉં પણ એક રેસ્ટોરાંમાં મળી રહ્યું છે. આ રેસ્ટોરાં આવેલું દુબઈમાં. દુબઈના ઓ પાવ રેસ્ટોરાંએ એક સોનાનું વડાપાઉં લોન્ચ કર્યું છે. સોનાનું વડાપાઉં લોન્ચ કરનાર રેસ્ટોરાંની એક શરત પણ છે કે, તે વડાપાઉંને તમે પાર્સલ લઇ શકશો નહીં તમારે આ રેસ્ટોરાંમાં બેસીને જ વડાપાઉં ખાવું પડશે. આ વડાપાઉંની કિંમત 99 દિરહામ રાખવામાં આવ્યા છે. 99 દિરહામ એટલે ભારતના અંદાજીત 2 હજાર રૂપિયા થાય છે.

આ સોનાનું વડાપાઉં વિશ્વનું પ્રથમ 22 કેરેટ ગોલ્ડ પ્લેટેડ વડાપાઉં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અંદાજીત 2000 રૂપિયામાં મળતું વડાપાઉં ટ્રફલ બટર અને ચીઝમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વડાપાઉં 10થી 15 રૂપિયામાં મળે છે પણ આ સામન્ય વડાપાઉં પર 22 કેરેટનો વરખ ચઢાવવામાં આવે તેના કારણે તેની કિંમત 10થી 15 રૂપિયામાંથી અનેક ગણી થઇ જાય છે.
દુબઈના ઓ પાવ રેસ્ટોરાં દ્વારા આ વડાપાઉંનો એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં એક બોક્સની અંદર વડાપાઉંને રાખવામાં આવ્યું છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે બોક્સ ખોલવામાં આવે છે ત્યારે ગોલ્ડનું વરખ ચઢાવેલું વડાપાઉં તેમાં મૂકવામાં આવેલું જોવા મળે છે અને બોક્સમાંથી સ્મોક નીકળી રહ્યો છે. એટલે આ સ્મોક માટે બોક્સમાં નાઈટ્રોજનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, દુબઈમાં સોનાના વડાપાઉંની સાથે-સાથે સોનાના બર્ગર, આઈસ્ક્રીમ અને બિરયાની પણ મળે છે. આ ગોલ્ડ વરખ વાળા વડાપાઉંને પોટેટો ફ્રાય અને મિન્ટ લેમોનેડ સાથે પીરસવામાં આવે છે. આ 22 કેરેટ સોનાના વરખવાળું વડાપાઉં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તો બીજી તરફ દુબઈના ઓ પાવ રેસ્ટોરાં દ્વારા ઈન્સ્ટાગ્રામ પર જણાવવામાં આવ્યું છે કે, અમે દુનિયાનું પ્રથમ 22 કેરેટ ગોલ્ડ વડાપાઉં રજૂ કરતા આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ.

