- Governance
- આ IPS અધિકારીએ વડોદરામાં એક ગુંડાના શાસનનો અંત આણ્યો હતો
આ IPS અધિકારીએ વડોદરામાં એક ગુંડાના શાસનનો અંત આણ્યો હતો
1990ના દશકમાં ગુજરાતમાં બે સરકારો અસ્તીત્વમાં હતી, વડોદરાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારનું શાસન હતું, જ્યારે વડોદરામાં રાજુ રીસાલદારનું શાસન હતું, વડોદરામાં રાજુ રીસાલદાર કહે તે કાયદો બની જતો હતો, જેના કારણે લોકો પોતાના પ્રશ્નો લઈ તંત્ર પાસે અથવા કોર્ટમાં જવાને બદલે રાજુ રીસાલદાર પાસે જતા હતા અને રીસાલદારનો રોજ રીતસરનો દરબાર ભરાતો હતો, રીસાલદારનો બોલ ઉથાપી શકાતો નહોતો. રાજુ રીસાલદારના નામે તેના ગુંડાઓએ વડોદરામાં આતંક ફેલાવી દીધો હતો, વેપારીઓ પાસેથી વિવિધ નામે ખંડણી ઉઘરાવવામાં આવી રહી હતી.
1993માં વડોદરા શહેરમાં બે યુવાન IPS પોલીસ અધિકારીઓનું આગમન થયું, જેમા એ કે સિંઘ અને અતુલ કરવાલનો સમાવેશ થતો હતો, અત્યંત પ્રમાણિક અને કાયદાનો ભંગ કરનાર કોઈ પણ હોય તેને બક્ષવો તેમને સ્વભાવ નહોતો, IPS થયા પછી ક્યારેય તેમણે પોતાના પોસ્ટીંગ માટે કોઈ રાજકારણીનો દરવાજો ખખડાવ્યો નથી. કાયદો તોડનાર માટે યમદુત સમાન આ પોલીસ અધિકારીઓ સામાન્ય માણસ માટે એટલા જ રુજુ અને સંવેદનશીલ રહ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે આ પોલીસ અધિકારીઓ વડોદરા અને તેની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ત્યારે વડોદરામાં એક હત્યા થઈ, હત્યા પણ કોઈ સામાન્ય માણસની નહીં, પણ વડોદરામાં સંદેશ અખબારના નિવાસી તંત્રી દિનેશ પાઠક અખબારની ઓફિસમાં જઈ ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી, હત્યારાઓ રાજુ રીસાલદારના હતા, પણ DCP અતુલ કરવાલ અને એ કે સિંઘને બનાવની જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા અને તેમણે રીસાલદારને પડવા માટે ટીનો રવાના કરી, પણ ચાલાક રીસાલદાર વડોદરો છોડી ચૂક્યો હતો,આખુ વડોદરા સ્તબ્ધ હતું, વડોદરામાં રેલીઓ નીકળી રહી હતી, અને પોલીસના નિષ્ફળતા સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા, DCP સિંઘ અને કરવાલે રાજુ રીસાલદાર ક્યાં છૂપાયો છે તેની માહિતી મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
ત્યારે જાણકારી મળી કે રીસાલદાર મુંબઈમાં સંતાયો છે, એ કે સિંઘ અને અતુલ કરવાલે પોતાની ટીમને મુંબઈ મોકલવાને બદલેઓ પોતાનો જ ટીમ સાથે મુંબઈ પહોંચી ગયા, માહિતી સાચી હતી અને રીસાલદાર પકડાઈ ગયો, ત્યારે ખાસ વિમાનની સેવાઓ નહોતી, તેના કારણે તેઓ રીસાલદારને લઈ રસ્તા માર્ગે વડોદરા આવી રહ્યા હતા, વડોદરામાં પોલીસ રીસાલદારને લઈ આવે તે પહેલા વડોદરાના પ્રવેશ માર્ગ પાસે પોલીસનો કાફલો રોકાયો, પોલીસની ફરિયાદ પ્રમાણે રીસાલદારે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસની ગોળીઓએ તેને વિંધી નાખ્યો હતો. આમ રાજુ રીસાલદાર પ્રકરણનો ત્યાં અંત આવી ગયો હતો.
અત્યંત લોપ્રોફાઈલ પોલીસ અધિકારીએ એ કે સિંઘે કયારેય તેમના કારનામાની ચર્યા કરી નહીં, તેના કારણે નવી પેઢીના પોલીસ અધિકારીઓ અને લોકોને એ કે સિંઘ કોણ છે તેઓ ભૂલી ગયા હતા, પણ બે વર્ષ પહેલા અમદાવાદમાં બગડી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતે સુધરે તેવો પ્રશ્ન સરકાર સામે આવ્યો ત્યારે PMOમાંથી સુચના આપી કે એ કે સિંઘને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુકત કરવામાં આવે, અમદાવાદ શહેર અને અમદાવાદ પોલીસને એક નવા પોલીસ કમિશનરનો અનુભવ થયો, પોલીસ કમિશનર તરીકે એ કે સિંઘ આવ્યા બાદ પોતાના પ્રશ્ન લઈ આવનાર કોઈ પણ મુલાકાતીને ક્યારે પહેલા એપોઈન્ટમેન્ટ લેવી પડતી નથી, તેવી જ રીતે પોલીસ દળમાં કોન્સટેબલ પણ વગર પરવાનગીએ પોતાની અરજ લઈ સીધો પોલીસ કમિશનરને મળી શકે છે.
28 ફેબ્રુઆરી ગુજરાતના કાર્યકારી DGP પ્રમોદકુમાર નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે નવા DGP કોણ બનશે તેની ચર્ચા ચાલી રહી છે. સુત્રોની જાણકારી પ્રમાણે 1985 બેંચના IPS અધિકારી એ કે સિંઘને ગુજરાતના નવા DGPની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ શકયતા છે. જો કે તેમના કરતા બે સિનિયર IPS અધિકારીઓ હોવા છતાં એ કે સિંઘ કઈ રીતે DGP બની શકે તેના માટે ગૃહ વિભાગ કાયદાકીય કવાયત કરી રહ્યું છે.
(પ્રશાંત દયાળ)

