સુરત: 1 વર્ષની દીકરી એસિડને પાણી સમજીને પી ગઇ, 5 દિવસની સારવાર પછી દમ તોડ્યો

PC: divyabhaskar.co.in

સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે દરેક માતા-પિતા અને પરિવારના લોકો માટે લાલબત્તી સમાન છે. બાળકોની પુરતી કાળજી રાખવાની દરેક માતા-પિતાની ફરજ છે, પરંતુ કેટલીક વખત પરિવારના લોકો એવી ઘોર બેદકરારી રાખતા હોય છે, જેને કારણે વ્હાલસોયું સંતાન ગુમાવવાનો વારો આવે છે. લિંબાયતમાં પણ આવું જ બન્યું છે. એક 1 વર્ષ ની દીકરી ઘરમાં પડેલા એસિડને પાણી સમજીને પી ગઇ,તે વખતે એ દીકરીની માતા રસોડામાં વ્યસ્ત હતી.

લિંબાયતમાં એક વર્ષની દીકરી એસિડને પાણી સમજીને પી ગઇ હતી જેને કારણે તેની હાલત ગંભીર થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 5 દિવસ સુધી આ દીકરીએ મોત સામે જંગ લડી, તબીબોએ પણ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દીકરીએ આખરે દમ તોડી દીધો હતો.

જાણવા મળેલી વિગત મુજબ લિંબાયતમાં રહેતા નઝમા ખાતુન રસોડોમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની 1 વર્ષની દીકરી અમીનાએ એસિડને પાણી સમજીની પી લેતા અમીનાની હાલત ગંભીર થઇ ગઇ હતી અને પરિવારના લોકો ટેન્શનમાં આવી ગયા હતા. અમીનાને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ અમીનાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે.

માતા નઝમા

સુરતની સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું હતું કે,  બાળકી 50 એમએલ જેટલું એસિડ પી ગઇ હતી. તેને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની ગંભીર હાલતને જોઇને ICUમાં દાખલ કરવામાં આવી હતી. અમીના 5 દિવસ સુધી તો મોત સામે જંગ લડી, પરંતુ આખરે હારી ગઇ હતી.

આવી ઘટનાએ દરેક લોકો માટે લાલબત્તી સમાન છે, ઘણી વખત બાળકોને રમતા મુકીને માતા –પિતા પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે અને સંતાનોને ગુમાવે છે. ઘણા એવા પણ કિસ્સા સામે આવે છે કે બાળક સિક્કો ગળી ગયો, કે બાળક રમતા રમતા દાદર પરથી પટકાઇ ગયો.

તાજેતરની પાંડેસરાની એક ઘટનામાં એવું બન્યું હતું કે 5 વર્ષની એક દીકરી પોતાના હાથમાં પહેરેલી તાંબાની વીંટી ગળી ગઇ હતી. આ વીંટી બાળકીની અન્નનળીમાં  ફસાઇ ગઇ હતી. એ તો સદનસીબે બાળકી બચી ગઇ અને તબીબોએ અન્નનળીમાંથી વીંટી કાઢી લીધી હતી. બાળકો ખુબ રમતિયાળ હોય છે, તેમની પર 24 કલાક નજર રાખવી પડે છે અને અનેક વસ્તુઓ તેમનાથી દુર રાખવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp