રખડતા હડકાયા કુતરાઓનો આતંક, બારડોલીમાં 12 લોકોને બચકાં ભર્યા, બધા હોસ્પિટલમાં
રખડતા કુતરા અને રખડતા પશુ ગુજરાતમાં એક મોટી સમસ્યા છે અને તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. સરકાર હમેંશા આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળે છે. પછી બધું ઠેરનું ઠેર. હવે સુરત જિલ્લાના એક તાલુકામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બારડોલીમાં રખડતા હડકાયા કુતરાઓએ ભારે આતંક મચાવ્યો છે અને 12 લોકોને કરડી ખાધા છે. આ બધા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળેલી માહિતી પ્રમાણે બારડોલીમાં હડકાયા કુતરાઓએ 12થી વધારે લોકોને કરડી લેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને જેમને કુતરા કરડી ગયા છે એ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બારડોલીમાં ધૂળિયા ચોકડી સહિત જુદા જુદા વિસ્તારોમાં હડકયા કુતરા કરડવાની ઘટના સામે આવી છે, 6 લોકોને સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 6 લોકો જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. બારડોલી પાલિકા હવે ઉંઘમાંથી જાગી છે અને હડકાયા કુતરાઓને પકડવાની કામગીરી ચાલી રહી છે.
સુરત શહેરમાં પણ થોડા મહિનાઓ પહેલાં કુતરાઓએ ભારે આતંક મચાવ્યો હતો અને એક નાનકડી બાળકીને ફાડી ખાધી હતી. એ પછી પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ થોડા સમય પછી લોકો પણ શાંત થઇ ગયા અને તંત્ર પણ શાંત પડી ગયું હતું.
ડોકટરોનું કહેવું છે કે, કુતરો કરડે તેના 24 કલાકની અંદર જ હડકવા વિરોધી ઇંજેકશન મુકાવી દેવું જરૂરી છે. જો તમે આમાં બેદકરકારી કરશો તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ઘણીવાર કુતરો કરડયા પછી 5 ઇંજેકશનનના આપવા પડે છે, પરંતુ પહેલું ઇંજેકશન તો 24 કલાક પહેલાં લઇ જ લેવું. એ પછી ત્રીજા દિવસે,7 મા દિવસે, 14માં દિવસે અને છેલ્લે 28માં દિવસે ઇંજેકશન લેવું પડે છે.
તબીબોનું કહેવું છે કે જ્યારે હડકવા વિરોધી રસી આપ્યા પછી ઘણા દર્દીઓને તાવની સમસ્યા ઉભી થાય છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.
આરોગ્યના નિષ્ણાતોનું કહેવું છે કે ઇંજેકશન તો તમારે 24 કલાકની અંદર મુકાવવાનું જ છે, પરંતુ એ પહેલાં પણ તમે થોડી તકેદીરા રાખી શકો છો. જેમ કે, જે ભાગમાં કુતરાએ કરડી ખાધું છે તે ભાગને સાબુથી સૌથી પહેલાં ધોઇ નાંખો. જો કોઇ સંજોગોમાં ઘા ઉંડો હોય તો સાબુથી ધોયા પછી બેટાડીન મલમ લગાવો. આ હડકવા વાયરસની અસરને ઓછી કરવામાં થોડી મદદ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp