18 વર્ષનો યુવક બ્રેઇન ડેડ થયો પણ અંગદાનથી 6 લોકોની જિંદગીમાં ઓજસ પાથરતો ગયો
સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતો એક 18 વર્ષનો યુવક પોતાના કામ પર જઇ રહ્યો હતો ત્યાર બાઇક સ્લીપ થઇ જતા તેની માથામાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. યુવાનના પરિવારને જ્યારે જાણ થઇ ત્યારે તેમણે બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો.સલામ છે આ પરિવારને કે જેમણે પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવા છતા બીજાને નવી જિંદગી મળે એના માટે વિચાર કર્યો. આ યુવાનને અંગદાનને કારણે 6 લોકોના જીવનમાં ઓજસ પથરાયો છે અને તેમાં પણ એક યુવાનના હ્રદયમાં બ્રેઇન ડેડ યુવાનનું દિલ ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યું છે. આ આખું ભગીરથ કામ અંગદાન માટે કામ કરતી સંસ્થા ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળા અને ટીમની મહેનતને કારણે શક્ય બન્યું. અફકોર્સ, તબીબો અને અન્ય લોકોનું પણ તેમાં યોગદાન હતું.
વર્ષ 2022ના અંતિમ દિવસની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે, સુરતમાં એક અંગદાનની ઘટના સામે આવી છે. મોરાભાગળ વિસ્તારમાં રહેતા હિરલ વિજયભાઇ મહિડા 29 સપ્ટેમ્બરે બાઇક પરથી સ્લીર થયો હતો અને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. હિરલને પહેલાં લાઇફ લાઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. CT- SCAN કરાવ્યું ત્યારે ખબર પડી કે હિરલને બ્રેઇન હેમરેજ થયું છે. પરિવારે હિરલને એ પછી કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યો.
જ્યાં 30 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ. ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો.
જ્યારે ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલાને બ્રેઇન ડેડ યુવાન વિશે જાણકારી મળી તો તેમણે કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલને સાથે રાખીને હિરલના માતા-પિતા અને અન્ય સ્વજનોને અંગદાન વિશે સમજ આપી.પરિવારે કહ્યું કે આમ પણ અમે સામાન્ય લોકો છીએ, કોઇને કશું દાનમાં આપી શકીએ તેવી સ્થિતિમાં નથી, હવે અમારો દિકરો દુનિયામાં રહ્યો જ નથી તો એના અંગદાનથી કોઇકનું જીવન સુધરતું હોય તો અમે અંગદાન કરવા માટે તૈયાર છીએ.
હિરલનાહ્રદય, કિડની, લીવર અને ચક્ષુ દાનની પરિવારે પરવાનગી આપી.દિલ પત્થર મુકીને એક સામાન્ય પરિવારે માનવતાને મહેંકાવી દીધી છે. હિરલના પિતા સ્મીમેરમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરે છે. પરિવારે તો અંગદાનની સંમતિ આપી દીધી એ પછી ખરી મહેનત ડોનેટ લાઇફની ટીમની હતી. હિરલના હ્રદયને કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલમાં ટાઇમ પર પહોંચાડવાનું હતું. અંકલેશ્વરના એક 17 વર્ષના યુવાનને હાર્ટની બિમારી હતી અને તેને મહાવીરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રીન કોરીડોર રચીને કિરણ હોસ્પિટલથી મહાવીર સુધી હિરલના દિલને પહોંચાડવામાં આવ્યું અને મહાવીરમાં દાખલ યુવાનમાં પ્રત્યારોપણ કરી દેવામાં આવ્યું.
સુરતની મહાવીર હોસ્પીટલના ડો. નિરજ કુમાર, ડૉ. સંદીપ સિંહા, ડૉ જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડૉ. સુનીલ કુમાર સિંગ, ડૉ. અનુરાગ શ્રીમાલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. મિતુલ શાહ, ડૉ. પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 43માં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ડોનેટ લાઇફ સંસ્થા અંગદાનમાં અનેક લોકોના જીવનમાં રોશની ફેલાવવાનું મહાન કામ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp