65 લાખ લઇ વિદેશ મોકલનાર 2 એજન્ટ ઝડપાયા, અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા

PC: timesnownews.com

ગયા વર્ષે જાન્યુઆરીમાં કેનેડાથી અમેરિકાની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના ચાર લોકોના મોત થયા હતા. મૃત્યુનું કારણ તીવ્ર ઠંડી હોવાનું કહેવાય છે. મહેસાણા જિલ્લાના ડીંગુચા રહીશો રાત્રીના અંધારામાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ મામલે ગુજરાત પોલીસે ગુનો નોંધ્યો હતો.

ગુજરાત પોલીસને હવે આ મામલે મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી બે લોકોની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આ બંને આરોપીઓ અમેરિકા જવા ઈચ્છતા લોકો પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા અને પછી કેનેડા અને મેક્સિકો થઈને અમેરિકન બોર્ડર પર ઘૂસણખોરી કરાવતા હતા.

એજન્ટોની આડમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને કેનેડા અને મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે. આ બંને અમેરિકાની સરહદો પરથી ઘૂસણખોરી કરાવવા માટે પ્રખ્યાત છે. ઘૂસણખોરીના પ્રયાસમાં ઘણી વખત મોટી દુર્ઘટના પણ બને છે અને લોકોના જીવ પણ જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પકડાયેલા બંને આરોપીઓ અમેરિકા જવા માગતા લોકોના એજન્ટ તરીકે કામ કરતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ એજન્ટો વ્યક્તિદીઠ રૂ. 60 થી 65 લાખ જેટલી માતબર રકમ વસૂલતા હતા અને પછી કેનેડા અથવા મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2022માં જ આ એજન્ટોએ અમદાવાદ અને આસપાસના જિલ્લામાં રહેતા 11 લોકોને વિદેશ મોકલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કેનેડાની બોર્ડરથી અમેરિકાની સરહદ સુધી ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ માઈનસ 35 ડિગ્રી તાપમાન હતું. કડકડતી ઠંડી વચ્ચે રાત્રિના અંધારામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા પતિ, પત્ની, પુત્ર અને પુત્રીના મોત થયા હતા.

આ ઘટનાને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે બે એજન્ટને પકડ્યા છે. તેમની સામે IPCની કલમ 406, 420, 304, 308, 370 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, એક મહિના પહેલા ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ગાંધીનગરના રહેવાસી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

ગાંધીનગરના કલોલમાં રહેતા એક વ્યક્તિનું મેક્સિકો બોર્ડર પર બનેલી ટ્રમ્પ વોલ પરથી કૂદકો માર્યા બાદ જમીન પર પડી જતાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં તેની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp