કાંકરિયા કાર્નિવલમાં 2 સાંતાને હિંદુ સંગઠનના કાર્યકરોએ દોડાવી-દોડાવીને ફટકાર્યા

PC: opindia.com

ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં સાંતા ક્લોઝ બનીને આવેલા 2 લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રાત્રે 2 લોકો સાંતા ક્લોઝનો પહેરવેશ પહેરીને કાર્નિવલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંને સાંતા કલોઝને દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. બંને વ્યકિતઓ પોતાનો જીવ બચાવવા ભાગી છુટ્યા હતા.

સાન્તાક્લોઝને દોડાવી દોડાવીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બજરંગ દળના કાર્યકરોને એવું કહેતા સાંભળી શકાય છે કે ચર્ચમાં જાઓ અને તમારા ધર્મનો પ્રચાર કરો. અહીં તમે લોકોને માઇન્ડ વોશ કરી રહ્યા છો. બજરંગ દળના નેતા જ્વલિત મહેતાનું કહેવું છે કે અહીં આ લોકો સાંતાક્લોઝના ડ્રેસમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા પુસ્તકો વેચતા હતા. મામલો સામે આવ્યા બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ દ્રારા છેલ્લાં 4 દિવસથી કાર્નિવલમાં ખ્રિસ્તી ધર્મના પુસ્તકો વેચવામાં આવી રહ્યા હતા. સાંતાના પહેરવેશમાં કેટલાંક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ધર્માતરણની ગતિવિધીઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને આ વિશે માહિતી મળી હતી. અમે તપાસ કરી તો આ વાત સાચી નિકળી હતી. જેને કારણે બજરંગ દળના પ્રાંત અધ્યક્ષ જવિલત મહેતાની આગેવાની 20 કાર્યકરોએ કાર્નિવલમાં ચાલી રહેલી ધર્માતરણની પ્રક્રિયા અટકાવી હતી.

આવી મારપીટની ઘટના નવરાત્રીના સમયમાં પણ દેશમાં અનેક સ્થળે સામે આવી હતી. વર્ષ 2022માં નવરાત્રીના તહેવારમાં હિંદુ સંગઠનોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે ઓળખ કાર્ડ વગર કોઇને ગરબાના પંડાલમાં જવા દેવાશે નહીં. મધ્ય પ્રદેશ અને અમદાવાદ સહિત ગરબામાં ઘુસી આવેલા મુસ્લિમ યુવકોની પિટાઇ કરી હતી.

જો કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ રીતે મારવાની પ્રક્રિયા હાથ ધરે છે તે ખોટી વાત છે. ધારો કે સાંતાના વેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હોય તો તેની જાણ પોલીસને કરવી જોઇએ. કાયદો હાથમાં લેવાનું કામ વિશ્વ હિંદુ પરિષદ કે બંજરંગ દળનું નથી. પોલીસનું કામ જ છે કાયદાનું પાલન કરાવવાનું. તમે કોઇની સાથે મારપીટ કરો તો એ માણસના મગજમાંથી ખુન્નસ જિંદગીભર નિકળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp