રાહુલ ગાંધી માનહાનિ કેસમાં 4 મહિના, 4 ચુકાદા અને 4 ઝટકા, જાણો પુરી વિગત

કર્ણાટકમાં મોદી સરનેમને લઇને કરેલી ટીપ્પણી વિશે સુરતની નિચલી કોર્ટે રાહુલ ગાંધીને 23 માર્ચ 2023ના દિવસે 2 વર્ષની સજા અને 15000ના દંડનો ચુકાદો આપ્યો હતો.એ પછી 24 માર્ચે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ રદ થઇ ગયું હતું. રાહુલે નિચલી અદાતલતના ચુકાદાને સેશન કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી પણ રાહુલને રાહત નહોતી મળી, હવે તેમને ગુજરાત હાઇકોર્ટે પણ મોટો ઝટકો આપ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 'મોદી સરનેમ' બદનક્ષીના કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય માનીને રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. 2019ની ચૂંટણી દરમિયાન, રાહુલને આ વર્ષે 23 માર્ચે સુરતની નીચલી અદાલતે કર્ણાટકમાં એક રેલી દરમિયાન 'મોદી અટક' વિશેના નિવેદન બદલ સજા ફટકારી હતી. ત્યારથી લગભગ ચાર મહિનામાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર અલગ-અલગ કોર્ટના નિર્ણયો આવ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું, "નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક શા માટે સામાન્ય છે? શા માટે બધા ચોરોની અટક મોદી હોય છે.
રાહુલના એ નિવેદન સામે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પૂર્ણેશ મોદીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીઅ મોદી સમાજને બદનામ કર્યો છે.
માનહાનિ કેસના 4 વર્ષ પછી સુરતની કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 રૂપિયા દંડનો ચુકાદો સંભળાવ્યો હતો.
રાહુલને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા.લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
રાહુલ ગાંધીએ 20 એપ્રિલે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવીને કહ્યું હતું કે, સાંસદ અને દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીના પૂર્વ પ્રમુખ હોવાને નાતે રાહુલ ગાંધીએ વધારે સાવધાની રાખવાની જરૂર હતી.
એ પછી રાહુલ ગાંધીએ 25 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે, હાઇકોર્ટે, મે મહિનામાં રાહુલને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તે વખતે કોર્ટે કહ્યું હતું કે ઉનાળાની રજા બાદ અંતિમ ચુકાદો સંભળાવવામાં આવશે.
આજે 7 જુલાઇએ હાઇકોર્ટે રાહુલ ગાંધીની માનહાની કેસમાં મળેલી 2 વર્ષની સજા પર રોક લગાવવા માટે કરેલી અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ હેમંત પૃચ્છકે નિચલી અદાલતના નિર્ણયને યર્થાથ ઠેરવ્યો હતો.
રાહુલ પાસે હવે શું વિકલ્પ છે? રાહુલને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. જો કે, રાહુલ ગાંધી પાસે હજુ પણ હાઈકોર્ટમાં ડિવિઝન બેંચમાં અપીલ કરવાની તક છે. જો તેઓ ઈચ્છે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટ રાહુલની સજા પર સ્ટે મૂકે છે તો તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. જો કે, જો તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેઓ 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp