સુરતઃ 4 મહિનાની ચોરીનો ભેદ ખૂલ્યો, સગી ભાભીએ નણંદનો 1.50 લાખનો હાર ચોર્યો હતો

PC: divyabhaskar.co.in

ઓલપાડમાં 4 મહિના પહેલા એક ચોરીની ઘટના બની હતી, જેમાં 1.50 લાખ રૂપિયાનો સોનાનો હાર ચોરાયો હતો.એક સંબંધીના કોલ પર આખી ચોરીનો ભેદ ખૂલ્યો છે અને ચોરી કરનારનું નામ સામે આવતા બધા ચોંકી ઉઠ્યા છે. સોનાનો હાર ચોરનાર બીજું કોઇ નહીં પણ ઘરની જ  વહુ નિકળી હતી. વાત એમ બની હતી કે પરિવારના એક લગ્ન પ્રસંગમાં નણંદ હાજરી આપવા આવી હતી અને પોતાના દાગીના માતાને સોંપ્યા હતા અને માતાએ પોતાના દીકરાની પત્નીને કબાટમાં મુકવા કહ્યું હતું.

સુરત જિલ્લાના ઓલપાડમાં બલકસ ગામ આવેલું છે. આ ગામમાં રહેતા ગજેન્દ્ર સિંહ ઠાકોરના દીકરી ક્રિષ્ણાના લગ્ન માંગરોળ થયેલા છે. 27 જાન્યુઆરીએ કાકાની દીકરીના લગ્ન હોવાથી ક્રિષ્ણા પોતાના પિયર બલકસ ગામ આવી હતી અને માતાએ કન્યાદાનમાં આપેલો 5 તોલાનો સેટ સાથે લાવી હતી. એક પ્રસંગમાં ક્રિષ્ણાના માતા કૈલાસ બહેને આ હાર પહેર્યો હતો અને એ પછી પોતાની વહુ દિશાને કહ્યું  હતું કે, આ કબાટમાં સભાળીને મુકી દેજે.

લગ્ન પ્રસંગ પત્યો પછી ક્રિષ્ણા સોનાના હારનું બોક્સ લઇને સાસરે ચાલી ગઇ હતી. સ્વાભાવિક રીતે જ ઘરમાં સોનાનું બોક્સ મુક્યું હોય તો કોણ વિચારે કે ચોરી થઇ જશે. ક્રિષ્ણા બોક્સ ખોલ્યા વગર જ સાસરે ચાલી ગઇ હતી. સાંજે જ્યારે ઘરેણાં મુકવા માટે બોક્સ ખોલ્યું તો તેમાં હાર નહોતો. આ જોઇને ક્રિષ્ણાના હોંશ ઉડી ગયા હતા. તરત જ પોતાની માતાને ફોન કરીને પુછ્યું કે બોક્સમાં હાર નથી. પિયર પક્ષના લોકો ઘરમાં હાર શોધવા મંડી પડ્યા હતા, પરંતુ હાર મળ્યો નહોતો.

આ વાતને 4 મહિના થઇ ગયા હતા. ક્રિષ્ણાએ અને પરિવારજનોએ હાર મળવાની આશા મુકી દીધી હતી, પરંતુ અચાનક એક દિવસ એક સંબંધી મહિલાનો ક્રિષ્ણાના ભાઇ પર ફોન આવ્યો કે તારી પત્નીએ ક્રિષ્ણાનો હાર ચોરીને કલામંદિર જવેલર્સમાં જઇને વેચી દીધો છે.

દિશાના પતિ અને ક્રિષ્ણાના ભાઇએ કલામંદિર જવેલર્સમાં જઇને CCTV તપાસ્યો તો ખબર પડી કે દિશા સોનાનો હાર વેચવા આવી હતી. શરૂઆતમાં તો પરિવારજનોએ સમાધાન થાય અને ઘરની વાત બહાર ન જાય તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ દિશાના પિયરવાળાઓએ ઉલટા ચોર કોટવાલો કો દાંટે જેવો ઘાટ કર્યો હતો. દિશાના પિયરિયાઓએ કહ્યું હતું કે હાર પણ નહી મળે અને રૂપિયા પણ નહીં મળે, જાઓ જે થાય તે કરી લો. આખરે ક્રિષ્ણાએ ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે દિશાની ધરપકડ કરી હતી અને તેણે પોતે ચોરી કરવાની અને હાર વેચી દેવાની કબુલાત કરી લીધી હતી. દિશાએ કહ્યું હતું  કે એ હાર વેચીને તેણે 1.33 લાખનું સોનું ખરીદ્યું હતું અને બાકીની રકમ પોતાના ખાતામાં જમા કરાવી દીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp