અમરેલીઃ6 માસ પહેલા પ્રેમ લગ્ન, યુવકનું હાર્ટ એટેકથી મોત, પત્નીએ પણ કરી આત્મહત્યા

PC: divyabhaskar.co.in

અમરેલીના લિલિયામાં કડિયા કુંભાર જ્ઞાતિમાં એક દુખદ ઘટના બનવા પામી છે. આ જ્ઞાતિના ધવલ વિનુભાઇ રાઠોડ નામના યુવકનું ગઇકાલે સાંજે હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યું. યુવકની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ધવલ બપોરે વાડી પર ગયો હતો અને સાંજે ઘરે પાછા ફરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સ્થાનિક લોકો ધવલને હોસ્પિટલ લઇ ગયા. પરંતુ, હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ધવલ રાઠોડના છ મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. તેના જ વિસ્તારમાં રહેતી પ્રિન્સી સાથે તેના પ્રેમ લગ્ન થયા હતા. પ્રિન્સીની ઉંમર પણ ફક્ત 22 વર્ષની જ હતી. ઘરના અન્ય લોકોએ તે રાતે ધવલના મોતના સમાચાર ઘરની મહિલાઓને નહોતા આપ્યાં અને કહ્યું હતું કે હોસ્પિટલમાં ધવલની હાલ સારવાર ચાલી રહી છે.

પછી સવારે જ્યારે ધવલના મોતની જાણ ઘરની મહિલાઓને થઇ કે તરત જ પ્રન્સી પોતાના રૂમમાં ચાલી ગઇ અને અંદરથી રૂમ બંધ કરી દીધો અને તેણે પણ પંખા પર લટકી જઇ આત્મહત્યા કરી લીધી. પ્રિન્સીએ પંખા પર ચૂંદડી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેનું પણ ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું. બન્નેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બન્નેની અંતિમયાત્રા પણ સાથે જ નીકળી હતી. યુવાન જોડાના આ પ્રકારે કરૂણ મોતથી આ નાનકડા ગામમાં શોક પ્રસરી ગયો હતો.

લોકો તરફથી મળેલી જાણકારી અનુસાર, થોડા સમય પહેલા જ ધવલ રાઠોડની બન્ને કિડની ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે ધવલની માતાએ તેને કિડની આપીને ધવલને જીવનદાન આપ્યું હતું. મૃતક ધવલ રાઠોડના પિતા એક ખેડૂત છે અને તેમના ઘરનો ખર્ચ પણ ખેતીના કામથી જ ચાલે છે. એટલું જ નહીં ધવલ ચાર બહેનો વચ્ચે એકલો જ ભાઇ હતો. જેથી, રાઠોડ પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp