8 કરોડના કથિત ખંડણીકાંડથી ભાજપની નેતાગીરી એક્શન મોડમાં, દિલ્હી સુધી પડઘા પડ્યા
આઠ કરોડ રુપિયાની કથિત ખંડણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિરુદ્વ અપશબ્દો અને માનહાનિ કરતાં વીડિયોને વાયરલ કરનાર અમદાવાદના જિનેન્દ્ર શાહની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રેલો ભાજપના માંગરોળ મત ક્ષેત્રનાં ભાજપનાં જ દિગ્ગજ નેતા સુધી પહોંચતા ભાજપમાં આંતરિક ડખો ઉભરી આવ્યો છે. ભાજપમાં અસંતોષનો લાવા ભભૂકી રહ્યો હોવાની પ્રતિતિ થતા પાર્ટી દ્વારા ડેમેજ કન્ટ્રોલાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે. આ ઘટનાનાં પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રો મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચે સીઆર પાટીલ વિરુદ્વ ઉપજવી કાઢેલો વીડિયો વાયરલ કરનારા મૂળ યુપીના અને હાલ અમદાવાદમાં રહેતા જિનેન્દ્ર શાહની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. આ તપાસમાં પોલીસને ચોંકવાનારા તથ્યો જાણવા મળી રહ્યા છે. કોસંબા નગરપાલિકાના ઉપપ્રમુખ હરદીપસિંહ અટોદરિયા સુધી તપાસ પહોંચી રહી છે. જિનેન્દ્ર શાહના વીડિયો બાદ 80 કરોડનું પાર્ટી ફંડ ઉસેટી લેવાનાં પત્રિકાકાંડને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે વિજય રુપાણીની મુખ્યમંત્રી તરીકે ઓચિંતી વિદાય બાદ ગુજરાત ભાજપમાં આંતરિક સાઠમારી ધીમેધીમે વેગ પકડી રહી હોવાનું આ ઘટના પરથી જ્ઞાતવ્ય થાય છે. માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપત વસાવાના હરદિપસિંહ અટોદરિયા વિશ્વાસુ ગણાય છે અને આ કનેક્શનનાં કારણે કથિત ખંડણી પ્રકરણમાં ગણપત વસાવાનું નામ ઉછળી રહ્યું છે. જોકે, ગણપત વસાવાએ સમગ્ર ઘટના અને જિનેન્દ્ર શાહ સાથે કોઈ પણ પ્રકારના સંબંધો હોવાનો ઈન્કાર કર્યો છે.
ભાજપ સૂત્રોની માનીએ તો પ્રદેશ પ્રમુખ પદે સીઆ પાટીલની નિમણૂંક થઈ ત્યારે અનેક નેતાઓના નામની ચર્ચા મીડિયામાં ચાલી હતી. આ ઉપરાંત જ્યારે મુખ્યમંત્રીને બદલવાની વાત આવી ત્યારે પણ અનેક નામો સપાટી પર આવ્યા હતા પણ ભાજપ હાઈકામાન્ડે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો.
ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે આદિવાસી નેતા તરીકે ભાજપને આદિવાસી પટ્ટીમાં મજબૂત કરવા માટે ગણપત વસાવાની મહત્વની ભૂમિકા રહેલી છે. આ જોતાં ગણપત વસાવાનાં નજીકના લોકો હંમેશ એવું માનતા રહ્યા છે અને મીડિયા પણ ચર્ચા થતી આવી છે કે ગણપત વસાવાને આદિવાસી મુખ્યમંત્રી તરીકે ભાજપ બેસાડી શકે છે. આમ તો ગણપત વસાવા પોતે પણ મુખ્યમંત્રી પદ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ માટે મહત્વકાંક્ષી નેતા હોવાનું ચર્ચાતું રહ્યું છે.
હાલના તબક્કે જોવા જઈએ તો સતત મંત્રી અને સરકારમાં મહત્વનું સ્થાન હાંસલ કરનારા ગણપત વસાવાને સંગઠન અને સરકારમાં એક રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકો આને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યા હોવાનું ગણાવે છે.
ભાજપનો આંતરિક વિખવાદ નેતાઓને બદનામ કરવાના ષડયંત્ર સુધી પહોંચી ગયો છે અને તેમાંય વળી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ વચ્ચે હાલ તો કોલ્ડ વોર શરુ થયું હોવાનો પણ પ્રશ્ન પણ ઘૂમરાઈ રહ્યો છે.
જિનેન્દ્ર શાહની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અટોદરિયાને જવાબ લખાવવા બોલાવ્યા હતા. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપમાં જૂથબંધી હોવાની ચર્ચા શરુ થઈ છે. ખૂલી રહ્યું છે. સવાલ એ થાય છે કે શું ભાજપમાં આંતરિક ડખો છે? કાર્યકરો અને નેતાઓમાં ભારે અસંતોષ છે? શું આ તપાસનો રેલો ગણપત વસાવા સુધી પહોંચશે કે?
તમામ વિરોધના સૂરો, વિવાદો અને વિખવાદોને ડામી સીઆર પાટીલના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં 156 સીટ હાંસલ કરી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતમાં ભાજપનું એકહથ્થું શાસન છે. આ સ્થિતિમાં સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્રને લઈ ભાજપ હાઈકમાન્ડ ખૂબ જ ગંભીર છે. આ બધું હોવા છતાં પાર્ટી ડેમેજ ક્ન્ટ્રોલના પ્રયાસોમાં પણ જોવા મળી રહી છે.
Khabarchhe.comએ પૂર્વ મંત્રી ગણપત વસાવા સાથે ટેલિફોન પર વાત કરી તો તેમણે જણાવ્યું કે જિનેન્દ્ર શાહ સાથે સાત જનમનો કોઈ સંબંધ નથી. કોસંબા મારા મતક્ષેત્રમાં આવે છે અને હજારો કાર્યકરો હોય છે. હવે કોઈ કાર્યકર શું કરે છે તેનાથી મને કોઈ નિસ્બત નથી. પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસમાં બધું બહાર આવશે તેમજ દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp