અમદાવાદમાં સગા ભાઈએ જ પોતાના ભાઈને જાહેરમાં પતાવી દીધો

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં સતત ગુનાખોરી વધી રહી છે, હાલમાં જ અમદાવાદના બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરી દેતા તેનું કરુણ મોત નિપજ્યુ હતું. ભાઈએ જ ધોળા દિવસે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સામાન્ય ઝઘડામાં બે ભાઈઓ વચ્ચે મોટો હોબાળો થઈ જતા જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત ભાઈને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઇ ગયું હતું.

રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહેવાસીઓ પણ ગભરાઈ ગયા હતા. લોકોમાં પોલીસની કોઈ બીક જ ના હોય એમ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુભાઈ ચંદુભાઈ પટણી બપોરના 1:00 વાગ્યાની આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. એ દરમિયાન તેનો ભાઈ આવીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. પરેશભાઈ ચંદુભાઈ પટણી તેમજ તેનો દીકરો મેહુલ ગેટ પાસે 4:00 વાગ્યાની આસપાસ ઊભા હતા. એ દરમિયાન તેનો ભાઈ અને સાળા આવ્યા હતા અને બંને પક્ષે બોલાબોલી અને ગાળાગાળી થઈ હતી.

સોસાયટીના ગેટ પર જાહેરમાં જ મારામારી થઈ ગઇ હતી. આ ઘટનાથી આજુબાજુના લોકોમાં ડરનો માહોલ બની ગયો હતો. આ દરમિયાન દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ અને જયેશ પટણી સહિતના લોકો કનુભાઈ તેમજ તેના ભાઈ સાથે મારામારી કરવા લાગ્યા હતા. પછી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુભાઈ પટણી, પરેશભાઈ પટણી તથા મેહુલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશભાઈને ગંભીર ઈજા થતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેનું મોત થઇ ગયું હતું. પોલીસે સમગ્ર ઘટના પર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

હાલમાં જ અમદાવાદના સાણંદના મોડસર ગામે મેળામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ ઉપર છરાના ઘા કર્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે હાજર ડૉક્ટરે ઇજાગ્રસ્ત વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. મૃતકનું નામ પીપણ ગામનો જિજ્ઞેશ સોલંકી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હુમલો કરનાર બાવળાનો દીપક મકવાણા હોવાનું બહાર આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp