નવસારીની સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, તપાસના આદેશ
નવસારીની એક પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી નિકળતા ભારે હડકંપ મચી ગયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.મધ્યાહન ભોજન જાણે એક મજાક બની ગયું હોય તેવું લાગે છે, તાજેતરમાં બિહારમાં બાળકોના ભોજનમાંથી મરેલો સાપ મળી આવ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. શું તંત્રને કે જવાબદાર વ્યકિતઓને બાળકોના આરોગ્ય વિશે કોઇ ચિંતા નથી?
સરકારી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજના ચાલે છે અને ભોજનની વ્યવસ્થા ખાનગી સંસ્થાઓ પુરી પાડતી હોય છે, પરંતુ હમેંશા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા રહે છે.
ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શુક્રવારે દાળ-ભાતમાંથી મરોલી ગરોળી મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જો કે સદનસીબે બાળકો જમવાની શરૂઆત કરે તે પહેલા ગરોળી દેખાઇ જતા ભોજન અટકાવી દેવાયું હતું. પરંતુ, સવાલ એ છે કે કોઇએ જોયું ન હતે અને બાળકો એ ભોજન આરોગી લેતે તો શું થતે?
નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્રારા પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવાનો પરવાનો છે.ચીખલી તાલુકાની આ શાળામાં 34માંથી 29 વિદ્યાર્થીઓ હાજર હતા. મઘ્યાહન ભોજનમાં ગરોળી નિકળવાની જાણ થતા આખું તંત્ર ઉંધા માથે થઇ ગયું હતું અને ભોજનના સેમ્પલો લેવામાં આવ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભગીરથ સિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રાથમિક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી હોવાની ઘટના ધ્યાન પર આવી છે અને આ મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા પછી સાચી માહિતી ખબર પડશે. કોઇ પણ બાળકને ભોજન આપવામાં આવ્યું નહોતું અને સાથે નજીકની અન્ય શાળાઓને પણ માહિતી આપીને ભોજન અટકાવી દેવાયું હતું. નાયક ફાઉન્ડેશને તમામ બાળકો માટે ફરી વ્યવસ્થા કરીને ભોજન પહોંચાડ્યું હતું.
તંત્રએ અને સરકારે આ વાતને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, એ વાતની તપાસ થવી જોઇએ કે ગંભીર બેદરકારીને કારણે આવું બની રહ્યું છે કે કોઇ વિકૃત માણસો ભોજનમાં આવું નાંખીને માહોલ બગાડી રહ્યા છે.કારણકે તમને જાણ હશે કે હજુ થોડા દિવસો પહેલા બિહારની સરકારી શાળામાંથી મરેલો સાપ મળ્યો હતો, વલસાડની એક શાળામાંથી ભોજનમાં જીવાત મળી હતી, ભોજનમાંથી ઇયળ કે વાંદા નિકળ્યા હોવાન બનાવો પણ બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp