ગાંધીનગર RTOમાં બનેલા 1000 નકલી લાયસન્સ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા,RTOના અધિકારી જ..

PC: punekarnews.in

ગાંધીનગર RTOમાંથી આર્મી બટાલિયનના એડ્રેસવાળા આર્મીના જવાનોના નામના નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાના કૌભાંડમાં ચોંકાવનારી વાત સામે આવી છે. 1 જ વર્ષમાં આ ટીમે 1000 નકલી લાઈસન્સ બનાવીને જમ્મુ-કાશ્મીર મોકલ્યા હતા. આ કૌભાંડમાં ગાંધીનગર RTOના 6 ઈન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ મળીને 1 ડઝન અધિકારીઓની સંડોવણી સામે આવી છે. જેથી આ કૌભાંડમાં લાંચની કલમ ઉમેરવા ક્રાઈમ બ્રાન્ચ બુધવારે કોર્ટમાં રિપોર્ટ કરશે.

આર્મીના જવાનોના નામે નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચ પકડી પાડ્યું હતું. જેની તપાસમાં પોલીસે અત્યાર સુધીમાં 5-6 એજન્ટની ધરપકડ કરી હતી. જ્યારે આ કૌભાંડમાં ગાંધીનગર RTOના 6 ઈન્સ્પેક્ટર સહિતના 1 ડઝન અધિકારીઓની સંડોવણી સામે આવી છે. પોલીસે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટીમે 1 જ વર્ષમાં 1,000 નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ જમ્મુ-કાશ્મીર મોકલી આપ્યા હતા.

આર્મી બટાલિયનના એડ્રેસવાળા ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે કોઈ પણ વ્યકિત દેશના ગમે તે ખૂણામાં આવેલી આર્મીની બટાલિયનમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. જેથી આ લાઈસન્સનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં થઇ શકે તેમ હોવાથી પોલીસે આ લાઈસન્સોની માહિતી મેળવીને તે રદ કરાવી દીધા હતા. આ કૌભાંડની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના PI મિતેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 1 વર્ષમાં આ ટીમે આર્મીના જવાનોના નામે 1,000 ડ્રાઈવિંગ લાઈન્સ બનાવ્યા હતા. જેનો રેકોર્ડ ગાંધીનગર RTOમાંથી મળ્યો છે. જેના આધારે જે તે લાઈસન્સ ધારકને બોલાવીને તે લાઈસન્સ જમા લઈને RTOમાંથી રદ્દ કરાયા છે.

હાલમાં આ કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચના PI મિતેશ ત્રિવેદી કરી રહ્યા છે. જેમાં ગાંધીનગર RTOના 1 ડઝન અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. સરકારી બાબુઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને આ લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હોવાથી ક્રાઈમ બ્રાંચ તેમાં લાંચની કલમ ઉમેરવા માગે છે. જો કે, લાંચની કલમ ઉમેરાયા બાદ આ કેસની તપાસ ACPને સોંપવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે આ કૌભાંડમાં બુધવારે કોર્ટમાં રિપોર્ટ કરીને લાંચની કલમ ઉમેરવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગર RTOના 1 ડઝન અધિકારી, કર્મચારીઓની ધરપકડ પણ શરૂ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ કૌભાંડની તપાસ માટે ગાંધીનગર RTO ગઈ હતી. RTOના સ્ટાફ પાસેથી છેલ્લા 1 વર્ષમાં આર્મી બટાલિયનના એડ્રેસ ઉપર નીકળેલા ડ્રાઈવિંગ લાઈસન્સની માહિતી માગી હતી, પરંતુ રેકોર્ડ ન હોવાનું કહીને RTOના સ્ટાફે માહિતી આપી જ નહોતી. જેથી ક્રાઈમ બ્રાંચને RTOના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એક વર્ષની માહિતી આપવામાં આવી હતી. જેમાં આ કૌભાંડમાં RTOના 1 ડઝન અધિકારી, કર્મચારીની સંડોવળી હોવાનું જાણવા મળ્યું હતું. આ ટીમ એક લાઈસન્સ 10-20 હજારમાં વેચતા હતા. જ્યારે 1 વર્ષમાં એક હજાર લાઈસન્સ બનાવીને વેચીને લાખોનું કૌભાંડ કરવાની શંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp