ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી ઉપરથી નીચે સુધી મોટા ફેરફારોના એંધાણ

PC: facebook.com/CRPaatil

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો સી આર પાટીલનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થયો છે, પરંતુ આજ સુધી તેમાં કોઇ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ પાટીલ જે ઝડપથી નિર્ણયો લઇ રહ્યા છે એ જોતા રાજકારણના જાણકારોનું માનવું છે કે તેમને પણ જે પી નડ્ડાની જેમ એકસ્ટેન્શન મળી ગયું છે. 2024ની લોકસભા ચૂંટણી સુધી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ યથાવત રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી ઉપરથી લઇને નીચે સુધીના માળખામાં ઘરખમ ફેરફારો આવી શકે છે.

ગુજરાતના રાજકરાણમાં અત્યારે વિપક્ષ શાંત છે, પરંતુ ભાજપનું આતંરિક રાજકારણ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. પત્રિકા કાંડ હોય કે, જામનગરમાં ધારાસભ્ય-સાસંદનો વિવાદ હોય, શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં આતંરિક ડખા વધી ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવનાર સી આર પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થયો છે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતની જીતનું પાટીલને મોટું ઇનામ મળી શકે છે અને કેન્દ્રના સંગઠનમાં અથવા મંત્રી તરીકેની મોટી જવાબદારી મળી શકે છે, પરંતુ એવો કોઇ ફેરફાર થયો નહી એટલે જાણકારોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં પાટીલની ભૂમિકાને મહત્ત્તવની માનીને તેમને આડકતરી રીતે એકસ્ટેશન આપી દેવામાં આવ્યું છે, એની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી મહામંત્રીથી લઇને છેક નીચલી કેડર સુધી મોટા ફેરફારો થઇ શકે છે અને તેમાં રજની પટેલને કમલમ સહિતની મોટી જવાબદારી મળી શકે છે.

ગુજરાતના મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી તેમને ઇન્ચાર્જ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

હવે સી આર પાટીલને આડકતરી રીતે એકસ્ટેન્શન મળી ગયું છે તેના કેટલાંક કારણો પણ છે. જે પ્રમાણે સી આર પાટીલ ફટાફટ નિર્ણયો લઇ રહ્યા છે તેના પરથી લાગે છે કે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે ચાલું રાખવામાં આવી શકે છે. ગયા મહિને પાટીલે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી, એ પછી 14 ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રા તેમના નેજા હેઠળ કાઢવામાં આવી હતી. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પાટીલની હાજરી હતી.

ઉપરાંત પાટીલની હાજરીમાં તાજેતરમાં માતરમાં કોંગ્રેસના કાર્યકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પદાધિકારીઓ માટે નો-રિપીટ થિયરીની પણ પાટીલે જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp