રાજકોટમાં રીબડા નજીક એવું એક્સિડન્ટ થયું કે યુવક-યુવતિ બંનેએ જીવ ગુમાવ્યો

PC: gujarati.news18.com

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભુણાવા પાસે વહેલી સવારે ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં એક યુવક અને એક યુવતીનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટના ગોંડલ તાલુકાની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ, આજે વહેલી સવારે રાજકોટથી ગોંડલ જઇ રહેલા હર્ષભાઇ ભાલાળા અને એક યુવતીનું અકસ્માતમાં મોત થયું છે.

રાજકોટથી ગોંડલ જઇ રહેલા હર્ષ ભાલાળા ટાટા કંપનીની હેરિયર કારમાં સવાર હતા. એ સમયે રીબડાથી આગળ જતા ભુણાવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળ ઉપર કાર ચાલક હર્ષ ભરતભાઇ ભાલાળાનું મૃત્યુ થયું છે. જ્યારે એક અજાણી યુવતીને ગંભીર ઇજા થતા તેને સારવાર કરવા રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હોવાની જાણકારી સામે આવી રહી છે. આ અકસ્માતનો બનાવ કઇ રીતે બન્યો તે અંગે, પોલીસ દ્વારા ટ્રક ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી છે. તો સાથે જ પ્રત્યક્ષદર્શીઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.

14 ડિસેમ્બરના રોજ વડોદરામાં પણ કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 4 લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાના કારણે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. રિપોર્ટ્સ મુજબ, ટ્રક અને SUV કાર વચ્ચે ટક્કર થઇ હતી, જ્યારે કારમાં 11 જેટલા લોકો સવાર હતા.

SUV કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. કાર ટ્રકમાં ઘુસી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે ઘટનાને પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જો કે, ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp