4 વર્ષના બાળકને ખબર નથી કે હવે પપ્પા નહીં આવે, અમદાવાદમાં દોરીથી ગળું કપાતા મોત

PC: twitter.com

ઉત્તરાયણનો તહેવાર એવો છે કે લોકોને પતંગો ઉડાવવાની મોજ તો પડે છે, પરંતુ એ પતંગનો દોરો કોઇકના માટે જીવલેણ પણ સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણના તહેવારમાં દોરીને કારણે ગળું કપાઇને મોત થવાની ઘટના બને છે. માણસો તો મોતને ભેટે  જ છે, પરંતુ સાથે સાથે નિદોર્ષ પક્ષીઓ પણ દોરાનો ભોગ બને છે. કલોલમાં એક પરિવારનો એકનો પુત્ર દોરીનો ભોગ બન્યો છે.

કલોલમાં રહેતો 36 વર્ષનો યુવક અશ્વિન ગઢવી ઉત્તરાયણના દિવસે આમ જ બાઇક પર લટાર મારવા નિકળ્યો હતો. અશ્વિન કલોલ હાઇવે પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બ્રીજ નજીક દોરી તેના ગળા પાસેથી પસાર થઇ હતી અને દોરીની મજબુતાઅ એટલી હશે કે અશ્વિનનું ગળું પળવારમાં કપાઇ ગયું અને લોહીનું ખાબોચિયું બની ગયું હતું. ઘટના સ્થળે જ અશ્વિનનું મોત થયું હતું.

અશ્વિનના પરિવારે કહ્યુ હતું કે અશ્વિન તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. આમ તો તેને બાઇક પર રખડવાનો શોખ હતો, પરંતુ આ વખતે ઘરે પાસે આવશે જ નહીં તેની અમને કલ્પના નહોતી. પરિવારે કહ્યુ કે અશ્વિનના 4 વર્ષના માસૂમ પુત્રને તો હજુ ખબર જ નથી કે તેના પપ્પા હવે પાછા નહીં આવે. અશ્વિન છત્રાલમાં આવેલી એરેક્સ કંપનીમાં નોકરી કરતો હતો.

પતંગની દોરીએ એક સાવ નિર્દોષ પરિવારના માળાને અચાનક વિખેરી નાંખ્યો હતો. અશ્વિનને એક જ 4 વર્ષનો પુત્ર છે અને હજુ તો પિતા સાથે રમવાના તેના સપના હશે, પરંતુ પતંગની દોરીએ એ માસૂમ બાળકના સપના પણ ચકનાચૂર કરી નાંખ્યા છે.

હવે બીજી ઘટનાની વાત કરીએ તો વિસનગરમાં ચાઇનીઝ દોરાને કારણે એક 3 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરોના પ્રતિબંધની સરકાર વારંવાર ગુલબાંગ પોકારતી રહે છે, પરંતુ ચાઇનીઝ દોરા વેચનારા દોરા વેચતા જ રહે છે અને માસુમ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

વિસનગરમાં એક 3 વર્ષની બાળકીને તેની મમ્મી તેડીને જઇ રહી હતી ત્યારે ચાઇનીઝ દોરો બાળકીના ગળામાં ભેરવાઇ ગયો હતો. બાળકીને તરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તબીબો બાળકીનો જીવ બચાવી શક્યો નહોતા.વ્હાલસોયી દીકરીના અચાનક મોતથી જાણે પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp