કોંગ્રેસમાંથી AAPમાં ગયેલા પાછા આવવા લાગ્યા? રાજકોટમાં વશરામ સાગઠિયા સસ્પેંડ

PC: navajivan.in

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થવાનું આમ આદમી પાર્ટીના રાજકોટના નેતાને ભારે પડ્યું છે. આમ આદમી પાર્ટીએ આ નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ નેતાની કોંગ્રેસમાં જવાની અટકળો ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઇન કરનાર રાજકોટના વશરામ સાગઠીયા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં સામેલ થતા, પાર્ટીએ તેમને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.AAPના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાને પાર્ટીમાં સસ્પેન્ડ કરવાનો લેખિતમાં હુકમ કર્યો છે.

વશરામ સાગઠિયાને લાગે છે કે સસ્પેન્ડ થવાનું કોઠે પડી ગયું છે. વશરામ સાગઠિયા રાજકોટ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા હતા.જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો સમય હતો ત્યારે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડીને AAPમાં પ્રવેશ કર્યો હતો, તેમની સાથે વશરામ સાગઠીયા પણ AAPમાં જોડાઇ ગયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુનો AAP સાથેનો પ્રેમ લાંબો ટક્યો નહીં અને તેમણે AAPને રામ રામ કરીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી. પરંતુ વશરામ સાગઠિયા AAPમાં રહ્યા હતા.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસ વાપસી પછી એવી અટકળો હતી જ કે વશરામ સાગઠીયા પણ ગમે ત્યારે કોંગ્રેસમાં આવી જ જશે, કારણકે તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે નજીકના સંબંધો છે.

હવે 2 દિવસ પહેલાં કોંગ્રેસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં વશરામ સાગઠીયા ઉત્સાહભેર સામેલ થયા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે વશરામ સાગઠીયા આવતીકાલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે.

મનોજ સોરઠીયાએ વશરામ સાગઠીયાના સસ્પેન્ડ કરવાની જાહેરાત પછી સાગઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું  કે, મેં તો 18 જૂને સાંજે જ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને મારું રાજીનામું મોકલી આપ્યું હતું અને ઇસુદાન સાથે ફોન પર વાત પણ કરી હતી. આજે મનોજ સોરઠીયા મને સસ્પેન્ડ કરવાની વાત કેમ કરી રહ્યા છે, તે મને સમજાતું નથી.

મનોજ સોરઠીયાએ પત્રમાં લખ્યું છે કે  વશરામ સાગઠીયા પાર્ટી વિરુધ્ધ કામ કરતા હોવાની અનેક ફરિયાદો કાર્યકર્તાઓ પાસેથી મળી હતી જેની તપાસ કરતા સાચી જણાઇ હતી એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp